જસદણમાં યુવાનને લાકડી - ધોકા વડે માર મરાતા પોલીસ ફરિયાદ થવા પામી છે. પ્રફુલ કનુભાઈ પરમાર (ઉ.વ.30) (રહે. જસદણ, આંબેડકરનગર) એ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું મજૂરીકામ કરી મારા પરીવારનું ગુજરાન ચલાવું છું.
રાતે સાડા આઠેક વાગ્યાના સમયે હું તથા મારો નાનો ભાઈ કરણ અમારા ઘરની બહાર શેરીમાં ઉભા હતા. તે વખતે મારા મોટાબાપુનો દિકરો ધર્મેશ હિંમતભાઈ પરમાર તથા તેના બનેવી ભરત કનુભાઈ ખેતરીયા, તેમજ પાયલબેન ભરતભાઈ ખેતરીયા ત્રણેય ત્યાં આવેલ અને મને જેમ ફાવે તેમ અપશબ્દો કહ્યા.
ધર્મેશ તથા ભરત મને કહેવા લાગેલ કે, તું અમારા ઘરે આવતા લોકોને શું કામ ત્યાં આવવાની ના પાડે છે? મેં તેને અપશબ્દો આપવાની ના પાડતા આ લોકો એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને ધોકા - લાકડીથી મને માર મારવા લાગ્યા હતા. મને મુંઢ ઇજા થયેલ હોય, જસદણ સરકારી દવાખાને સારવાર લીધી હતી. આ બનાવનું કારણ એવું છે કે, અમારૂ ઘર તથા આ મારા કાકાના દિકરા ધર્મેશનું ઘર બાજુ બાજુમાં હોય અને તેના ઘરે અવનવા અજાણ્યા લોકો આવતા હોય જેથી આ બાબતે મેં તેને સમજાવતા તે વાતનું તેને સારૂ ન લાગતા તે વાતનો ખાર રાખી મારી સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી કરી છે.