જસદણમાં જેડી’સ ગેસ્ટ હાઉસ ચલાવતા શખ્સે દુકાનમાં રાખેલ દારૂની 360 બોટલ ઝડપાઈ હતી. રૂ.2.52 લાખનો મુદ્દામાલ કબ્જે કરી પોલીસે ગુનો દાખલ કર્યો છે. આરોપી તેના ઘરે કે ગેસ્ટ હાઉસે મળી ન આવતા શોધખોળ હાથ ધરાઈ છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યા મુજબ જસદણ પોલીસની ટીમ કામગીરીમાં હતી. તે દરમિયાન ખાનગી બાતમી રાહે હકીકત મળી હતી કે, જૂના બસ સ્ટેશન પાસે જેડી’સ ગેસ્ટ હાઉસ ચલાવતા દિલીપભાઈ વલકુભાઈ ધાધલ (રહે-ધાધલ શેરી,જસદણ) એ પોતાના ગેસ્ટ હાઉસની નીચે પાંચ દુકાનો બનાવી હોઈ જેમાં છેલ્લા નંબરની દુકાનમાં ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો પડ્યો છે. પોલીસે તત્કાલ દરોડો પાડતા જ્યાં દુકાન નં.5 માં તાળુ મારેલ હોય, ત્યાં ગેસ્ટ હાઉસ ખાતે તપાસ કરતા દિલીપ મળી આવેલ નહીં.
જેથી દિલીપભાઈના રહેણાંક મકાને તપાસ કરી. પણ ત્યાં તે મળ્યો ન હતો. પોલીસે તાળુ તોડી શટર ખોલતા દુકાનની અંદર ફ્રુટ ભરવાના કેરેટમાં અને પ્લાસ્ટિકના બાચકામાંથી દારૂની 360 બોટલ મળી હતી. જેની કિંમત રૂ.2,52,724 ગણી મુદ્દામાલ કબ્જે કરી દિલીપભાઈની શોધખોળ હાથ ધરી હતી.
આ કામગીરીમાં જસદણ પીઆઇ ટી.બી.જાની, એએસઆઈ જયંતીભાઇ મજેઠીયા, હેડ કોન્સ્ટેબલ અરૂણભાઇ ખટાણા, કોન્સ્ટેબલ ભાવેશભાઇ છૈડા, કોન્સ્ટેબલ અનીલભાઇ સરવૈયા, સંજયભાઇ રાણવા, લાખાભાઇ મુછાર, અજીતભાઇ સોનારા ફરજ પર રહ્યા હતા.