હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણના બાખલવડમાં રહેતાં અને પાન-મસાલા-કરીયાણાની દૂકાન ચલાવતાં આધેડ પર ગામના જ એક શખ્સે પોતાના ભત્રીજાઓ સાથે મળી લોખંડના પાઇપથી હુમલો કરી લોહીલુહાણ કરી નાખતા સારવાર માટે રાજકોટ ખસેડાયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ બાખલવડ રહેતાં વિનુભાઇ ભનાભાઇ ઓળકીયા (ઉ.વ.૪૮) સાંજે સાડા છએક વાગ્યે પોતાની પાન-મસાલા-કરિયાણાની દૂકાને હતાં ત્યારે ગામનો જ સુનિલ તેના ભત્રીજાઓ વિમલ સહિતની સાથે આવ્યો હતો અને અચાનક જ લોખંડના પાઇપથી આડેધડ માર મારતાં માથા શરીરે ઇજાઓ થઇ હતી. માથામાં ઘા લાગતાં વિનુભાઇ લોહીલુહાણ થઇ ગયા હતાં. દેકારો મચી જતાં બીજા લોકો ભેગા થઇ જતાં હુમલાખોર સુનિલ સહિતના ભાગી ગયા હતાં.
વિનુભાઇને સારવાર માટે જસદણ અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમણે કહ્યું હતું કે મારી દિકરીએ કોલેજ પુરી કરી છે અને હવે સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરે છે. તેણી લાયબ્રેરીમાંથી વાંચીને ઘરે આવતી હતી ત્યારે રસ્તામાં સુનિલે પજવણી કરી ચાળા કર્યા હતાં. આ બાબતે મેં તેને ઠપકો આપ્યો હોઇ તેનો ખાર રાખી હુમલો કરાયો હતો આ અંગે રાજકોટ પોલીસે જસદણ પોલીસને જાણ કરી હતી.