બોટાદમાં વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધા ફેલાવતા એક ભૂવાને પકડી પાડ્યો છે. ગગજી ઝૂંપડી વિસ્તારમાં રહેતા દિનેશ ઈશ્વર ધારીયા પરમાર નામના વ્યક્તિ છેલ્લા દસ વર્ષથી લોકોને છેતરતો હતો. તે દોરા-ધાગા, છૂટાછેડા, સંતાન પ્રાપ્તિ અને દુખ-દર્દ મટાડવાના નામે લોકો પાસેથી મોટી રકમ પડાવતો હતો.
આ મામલે લીમડીના જયેશભાઈએરાજકોટ વિજ્ઞાન જાથા સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભૂવાએ છૂટાછેડાના એક કેસમાં ફરિયાદી પાસે 51 લાખ રૂપિયાની માગણી કરી હતી.
વિજ્ઞાન જાથાએ મીડિયા અને પોલીસની હાજરીમાં ભૂવાના ઘરે જઈને તેની પોલ ખોલી હતી. જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પોલીસની મદદથી ભૂવાની અટકાયત કરી અને તેને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો. પકડાયા બાદ દિનેશ પરમારે કબૂલાત કરી હતી કે તે હવે ક્યારેય દોરા-ધાગા જેવી પ્રવૃત્તિ નહીં કરે.