કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 પ્રવાસીનાં મોત નીપજ્યાં હતાં. આ હુમલાને લઈ આજે વડોદરામાં વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંતર્ગત ચાલી રહેલા કામની મુલાકાતે આવેલા રાજ્ય ગૃહમંત્રીએ હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ભારત સરકાર દ્વારા પાકિસ્તાન સામે કડક પગલાં લેવામાં આવી રહ્યાં છે.
જેના ભાગરૂપે કોઇપણ પ્રકારના વિઝા લઇને પાકિસ્તાનીઓ આવ્યા હશે તે તમામ પાકિસ્તાનીઓને ભારત સરકારે આપેલી સમયમર્યાદામાં દેશ છોડવો પડશે. એમાં કોઇ બાંધછોડ કરવામાં આવશે નહીં.
ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની
ગુજરાતમાં લોંગ ટર્મ વિઝા પર 438 પાકિસ્તાની નાગરિકો છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 77, સુરતમાં 44 અને કચ્છમાં 50 પાકિસ્તાની નાગરિકોનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતમાં શોર્ટ ટર્મ વિઝા પર રહેલા 7 નાગરિક છે. જેમાં અમદાવાદમાં 5,ભરુચ અને વડોદરામાં એક-એક પાકિસ્તાની નાગરિક છે.
Tags:
News