વિંછીયાના પીપરડી ગામે સગા ભાઈએ જમીનમાં ભાયુભાગના વિવાદમાં નાના ભાઈને પથ્થરનો ઘા ઝીંકી દિધો હતો. બાદમાં જીવ બચાવવા ભાગેલા ભાઈનું બાઈક, સીંગદાણાના કોથળા કૂવા ફેંકી દેનાર ભરત કાગડિયા વિરુદ્ધ વિંછીયા પોલીસમાં ગુનો નોંધાયો છે.
બનાવની જાણવા મળતી વધુ માહિતી અનુસાર વિંછીયાના પીપરડી ગામે રહેતા 32 વર્ષીય ખેડૂત શૈલેષભાઇ નકાભાઇ કાગડીયાએ નોંધાવેલી ફરિયાદમાં તેમના જ સગાભાઈ ભરત કાગડિયાનું નામ આપી જણાવ્યું હતું કે, ગઈકાલે સવારના દસેક વાગ્યે તેઓ બાઇકમાં સીંગદાણાના કોથળા લઇને પીપરડીની સીમમા મોઢુકાના રસ્તે આવેલ વાડીએથી મોટા કંધેવાડીયા ગામની ધાણીએ તેલ કઢાવવા જતો હતો
ત્યારે સૌથી મોટા ભાઈ ભરત કાગડીયા રસ્તામા ખરાબો અને ખેતીની જમીન હોય ત્યાં સેઢા પાસે હાજર હતા. તેનું બાઈક આડું મુકીને રોકતા પોતે બાઈક ઉભુ રાખી દીધું હતું. બાદમાં ભરત પથ્થર લઈને તેઓની પાછળ દોડેલ હતો અને એક પથ્થરનો ઘા ઝીંકી દેતાં પગમાં ઈજા પહોંચી હતી. જેથી તેઓ બાઈક ત્યાં જ મુકીને બાજુની વાડીમાં ભાગ્યો હતો.
દરમિયાન સ્થાનિકો એકત્રિત થઇ ગયા હતા અને તેઓએ 100 નંબર પર પોલીસ મદદ માટે ફોન કરેલ હતો. બાદમાં ભરત એક કુહાડો લઇને આવેલ અને તેને બાઈક ઉપર ઘા મારી તોડફોડ કરી હતી. ત્યારબાદ બાઈક, મગફળીના બે કોથળા, એક ખાલી તેલનો ડબો અમારા વાડીના કૂવામાં નાખી દીધેલ હતાં.
વધુમાં ફરિયાદીએ બનાવનું કારણ આપતાં જણાવ્યું હતું કે, ખેતીની વારસાઈ જમીનના ભાયુભાગ પડેલ ન હોય જે બાબતનો ખાર રાખી ભાઈ ભરતે હુમલો કર્યો હતો. બનાવ અંગે વિંછીયા પોલીસે ગુનો નોંધી ભરત કાગડિયા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.