ચોટીલાનો પાર્થ લખતરિયા સીએની પરીક્ષામાં દેશમાં ટોપ 45મા ક્રમે
ચોટીલાના યુવાને તાજેતરમાં જાહેર કરાયેલા સીએના રિઝલ્ટમાં દેશમાં ટોપ 50 પૈકી 47મો રેન્ક હાંસલ કર્યો છે. આમ ઝાલાવાડી યુવાને દેશભરમાં જિલ્લાનું નામ રોશન કર્યું છે.ચોટીલાનાં લખતરિયા સોની પરિવારનાં સંજયભાઇ અને શિતલબેનનો પુત્ર પાર્થ લખતરિયાએ દેશ લેવલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટેની પરીક્ષા આપી હતી. જેમાં ગ્રુપ એ અને બી મળી 543 માર્ક્સ મેળવી ભારતનાં ટોપ 50 પૈકી 47મા ક્રમે સીએ તરીકે પાસ કરી છે. 2 વર્ષ રાજકોટ અને પછી અમદાવાદ ખાતે સીએના ક્લાસ જોઇન્ટ કરી તૈયારી આરંભી આખરે પોતાનો ગોલ સિદ્ધ કર્યો છે.
દાદીએ અંતિમ દિવસોમાં લખેલો પત્ર મારા જીવનનું લક્ષ્ય બની ગયું
મારા દાદી પુષ્પા બા 8 વર્ષ પહેલા સ્વધામ સિધાવ્યા હતા. તેમના અંતિમ સમયમાં તેમનાં વિચારો લખતા હતા. જેમાં મારા માટે આશીર્વાદ સમાન લખેલું કે બેટા ખૂબ ભણે, આગળ વધે, મોટો માણસ થજે. આ શબ્દો મારા હૃદયમાં અંકિત થઈ ગયા. - પાર્થ સોની
સ્વપ્ન સાકાર કરવા ઘણું બધું ત્યજ્યું
તેના માતાપિતાએ જણાવ્યું પાર્થની આમ તો કોઇ મોટી ઉંમર નથી હજુ તો 22મુ બેઠું છે. આ સિદ્ધિ પાછળ તેની સ્ટ્રગલ અને ઘણો બધો ભોગ છે. નાની ઉંમરનાં શોખ છોડ્યા, કુટુંબ, પરિવાર અને સામાજીક પ્રસંગો છોડ્યા છે. તેની ઉંમરના મિત્રો સાથે આનંદ, મોજ, મસ્તી અને હરવા ફરવાનું છોડ્યું. મિત્રો સાથે રહેવાની ઉંમરે પુસ્તક સાથે રહ્યો. છેલ્લા 4 વર્ષ તો સખત પરિશ્રમ કરી રોજનું 10થી 12 કલાકનું વાંચન કરતો કેમ કે તેને પહેલેથી ખબર હતી કે સીએ થવું કેટલું હાર્ડ છે.