અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

વીરનગર ગામમાં પરિણીતાની ફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી, 7 સામે ફરિયાદ | Virnagar news

વીરનગર ગામમાં પરિણીતાની ફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી, 7 સામે ફરિયાદ


  • સાસરિયાના ત્રાસથી જીવ ગુમાવ્યાનો યુવતીના પરિવારનો આક્ષેપ, બનાવના કલાકો સુધી પોલીસને જાણ ન કરી

વીરનગર ગામમાં પરિણીતાની ફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી, 7 સામે ફરિયાદ


જસદણ તાલુકાના વીરનગર ગામે રહેતી 22 વર્ષીય પરિણીત મહિલાનો તેના ઘરે જફાંસો ખાધેલી શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જો કે આ બનાવમાં આટકોટ પોલીસ પહોંચે તે પૂર્વે જ મૃતક મહિલાની લાશને તેના સાસરીયાઓએ નીચે ઉતારી તેના ઉપર કપડું ઢાંકી દીધું હતું અને બાદમાં તેના માવતરને ટેલીફોનિક જાણ કરી હતી. જેથી મહિલાના માતા-પિતા સહિતના વહેલી સવારે વિરનગર ગામે દોડી આવ્યા હતા. આ બનાવના કલાકો વીત્યા બાદ પણ સાસરીયાઓએ આટકોટ પોલીસને જાણ ન કરતા આ બનાવ શંકામાં ફેરવાઈ ગયો હતો.

બાદમાં મૃતકના માતા-પિતાએ આટકોટ પોલીસને વાકેફ કરતાં પીએસઆઈ કે.પી.મેતા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને લાશને પ્રથમ જસદણની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડી હતી બાદમાં લાશને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાઇ હતી. મોડી સાંજે પતિ સહિત સાત સામે પરિણિતાને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.


મારી દીકરીને વારંવાર પૈસા બાબતે ત્રાસ દેતા

સવારે ફોન આવ્યો કે જલદી આવો અને અમે ગયા તો મારી દીકરી આ દુનિયામાં ન હતી. મારી દીકરીને તેના સાસરીયા ત્રાસ આપી પૈસાની માંગ કરતા હતા અને અમે પૈસા પણ મોકલતા હતા. 5 દિવસ પહેલા અમે વિરનગર આવ્યા ત્યારે કહ્યું કે તમારી દીકરીનો ફોન લઈ જાવ. જેથી અમારી દીકરીનો ફોન તેમને નડતો હોવાથી અમે તેનો ફોન લઈ ગયા હતા. મારા દીકરાએ જમાઇને ફોન કરી કહ્યું કે મારી તબીયત સારી નથી માટે પ્રીતિને મોકલો, તો જમાઇએ એવો જવાબ આપ્યો કે હું અત્યારે નહીં મોકલું, તમે તેડવા પણ ન આવતા.


આજે સવારે તેના સસરાનો સવારે 5-20 વાગ્યે ફોન આવ્યો કે તમારી છોકરીએ ફાંસો ખાધો છે. અમે ઘણા સવાલો કર્યા પરંતુ કોઇ જ સંતોષકારક જવાબ ન મળ્યા. મારી દીકરી ક્યારેય ફાંસો ખાય જ નહી. તે વારંવાર રીસામણે આવતી હતી. આ લોકો મારી દીકરીને પૈસા બારામાં મારીને કાઢી મૂકતા હતા. મારી દીકરીને આવું પગલું ભરવામાં તેનો ઘરવાળો જ મુખ્ય કારણ છે. તેની સાસુ, સસરા, જેઠ, દેર સહિતના મારી દીકરીને ત્રાસ દેતા હતા. > લીલાબેન ગોરધનભાઈ રાઠોડ, મૃતકની માતા


મૃતકના 3 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા

પ્રીતીબેન દિલીપભાઈ દાફડા(ઉ.વ.22)ની શનિવારે વહેલી સવારે ફાંસો ખાધેલી લાશ મળી હતી. માતા-પિતાએ દીકરીના સાસરીયાને બનાવ અંગે પૂછતા ગોળગોળ જવાબો મળતા બનાવ શંકાસ્પદ લાગતા પોલીસને જાણ કરી હતી. યુવતીના 3 વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા અને તેને સંતાન પણ ન હતા.

વધુ નવું વધુ જૂનું