100 ચોરસ વારનો પ્લોટ મફત આપો, નહીંતર તમારા ટાંટિયા ભાંગી નાખીશ
- જસદણના જસાપર ગામના સરપંચને ખુલ્લેઆમ ધમકી અપાઇ
- આટકોટ પોલીસમાં સરપંચે રજૂઆત કરતાં કાર્યવાહી શરૂ
જસદણના આટકોટ પોલીસ મથક હેઠળના જસાપરના સરપંચને 100 ચોરસ વારનો પ્લોટ આપ નહીંતર ટાંટિયા ભાંગી નાંખવાની ધમકી મળતા આટકોટ પોલીસમાં આરોપી વિરૂધ્ધ અરજી આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જસાપરના સરપંચ મનસુખભાઈ પોપટભાઈ ડામસીયા કે જેઓ જસદણ તાલુકા ભાજપમાં કાર્યરત છે. તેમણે મૂળ જસાપરના અને હાલ જસદણ રહેતા પ્રદીપ કાળુ ભટ્ટી સામે આપેલી અરજીમાં જણાવ્યું છે કે, આરોપી પ્રદીપ હાલ જસદણ ખાતે રહે છે. આરોપી અવારનવાર પ્લોટ આપવા માથાકુટ કરે છે.
આરોપી સરકાર દ્વારા આપવામાં આવતા મફતીયા પ્લોટની માંગણી કરે છે. આરોપી દ્વારા પંચાયતમાં કોઈ લેખીત અરજી કે પુરાવાઓ આપ્યા ન હોય તેમને પ્લોટ મળતો નથી. આમ છતાં તેઓ છેલ્લા દોઢ વર્ષમાં અવારનવાર ફોન દ્વારા વારંવાર ધમકી આપે છે તેમજ ગામમાં આવી જુદી-જુદી જગ્યાએ ટાંટીયા ભાંગી નાખવાની અને એકાદ જણને ઓછો કરી નાખવો પડશે તેવી વાતો કરી ભયનું વાતાવરણ ઉભુ કરે છે, વધુમાં જણાવ્યું છે કે, થોડા દિવસ પહેલા જસાપર ગામેથી જિલ્લા એલ.સી.બી. શાખાએ જુગારનો દરોડો પાડ્યો હોય તેનો ખાર રાખી ઝઘડો કરે છે. આરોપી હાલ જસાપર રહેતો ન હોવા છતાં મારી વિરૂધ્ધ ગમે તેમ વાતો કરી મને ભડકાવવાનું કામ કરી ધાક-ધમકી આપતો હોય આરોપી પ્રદિપની ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી કરવા પોલીસને જણાવ્યું છે.