જસદણ મર્ડર કેસ: એ રાત્રે યશવંત મારા પતિને પકડીને છરી લઈને તૂટી પડ્યો, હું વચ્ચે પડી તો મને ધક્કો મારી ને પાડી દીધી
'ન જાણ્યું જાનકીનાથે કે સવારે શું થવાનું છે?' કંઈક આવી જ ઘટના જસદણ તાલુકમાં રહેતા કમલેશભાઈ ને તેમના પત્ની કોમલબેન સાથે બની હતી. કમલેશભાઈના લગ્નને માંડ એક દિવસ થયો હતો. પરિવાર નવી વહુની આગતા-સ્વાગતમાં પડ્યો હતો, પરંતુ લગ્નના બીજા જ દિવસે બાદ જ કમલેશભાઈની ઘરમાં જ ઘાતકી હત્યા કરી નાખી હતી. લગ્નના એક દિવસ બાદ જ કોમલબેન વિધવા બની ગયા હતા. આ હત્યા કોમલબેનના પૂર્વ પ્રેમીએ કરી હતી. કમલેશભાઈની હત્યાથી પરિવારને ઘેરો આઘાત લાગ્યો હતો. આ ઘટના બાદ દિવ્ય ભાસ્કરે મૃતક કમલેશભાઈના પરિવાર સાથે વાત કરી હતી.
શું હતી સમગ્ર ઘટના ?
જસદણ તાલુકાના પ્રતાપપુર (નવાગામ) ગામે રહેતા 32 વર્ષીય કમલેશ મોહનભાઇ ચાવડાના લગ્ન 15 ઓગસ્ટે થયા હતા. લગ્નના એક દિવસ બાદ જ પત્નીના પ્રેમીએ તેમના ઘરે જ હત્યા કરી નાખી હતી. કમલેશભાઈની હત્યાથી પરિવાર શોકાતુર થઈ ગયો હતો. જ્યારે આખું ગામ રોષે ભરાયું હતું. આ ઘટના બાદ હત્યારા આરોપીની ધરપકડ ન થાય ત્યાં સુધી પરિવારે યુવાનનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. બાદમાં પોલીસે જૂનાગઢથી આરોપીની અટક કરીને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. મૃતકની પત્ની અગાઉ આરોપી સાથે લિવ-ઇનમાં પણ રહી હતી. જોકે આરોપી પહેલેથી જ પરિણીત હોવાનું બહાર આવ્યું હતું.
ભાઈને મારી નાખવાની ધમકી આપી
લગ્નના બીજા દિવસે પતિને ગુમાવનાર કોમલબેન સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું, 'આરોપી વડલી ગામનો જ છે. યશવંત ઉર્ફે અશ્વિન મકવાણા બે છોકરાનો બાપ છે અને હું કુંવારી હતી. મારી પાછળ પડી ગયો હતો. એણે ધમકીઓ આપી હતી કે તું મારી સાથે નહીં આવે તો હું તારા ભાઈને મારી નાખીશ અને તારા પરિવારને હેરાન કરી નાખીશ. તો હું ગભરાઈ ગઈ અને મેં એવું વિચાર્યું કે બધાની જિંદગી ખરાબ કરવી એના કરતાં હું જ મારું જીવન ખરાબ કરી નાખું.'
મુંબઇમાં પણ છરી રાખતો અને મારામારી કરતો
વધુમાં કોમલબેને કહ્યું હતું, 'એની સાથે હું મુંબઇમાં નાલાસોપારામાં ખેતરવાડી નજીક એક ચાલી છે, ત્યાં રહેતી હતી. ત્યાં પણ એ મને અલગ અલગ જગ્યાએ રાખતો હતો. ભાડા ઘણાં મોંઘા હતા અને એને કામ તો કરવું નહોતું. એ એક દિવસ કામ કરે અને 10 દિવસ ઘરે રહે એવું કરતો. એ પછી એ મને હેરાન કરવા લાગ્યો અને મારવા લાગ્યો . હું એની સાથે છથી સાત મહિના રહી હતી. ત્યાં હું કામે જતી હતી. અહીંયા પણ યશવંતે 2-3 વ્યક્તિ સાથે મારામારી કરી હતી. એ વખતે પણ આમ જ છરી લઈને રખડતો હતો. એક રાત્રે એની સાથે ઝઘડો થયો ત્યારે રાતે 3 વાગ્યે એ મને મૂકીને જતો રહ્યો હતો. હું 4-5 દિવસ ત્યાં એકલી રહી એટલે મેં મારા માવતરને ફોન કર્યો હતો. એમણે કહ્યું હતું કે તારે માથાકૂટ થતી હોય, ઝઘડો કરતો હોય અને તને ના ફાવતું હોય તું ઘરે આવી જા. એ પછી હું જાતે જ ઘરે આવી ગઈ હતી. ત્યારબાદ મારે અને એને કોઈ વાત જ નથી થઈ. એ પછી મારુ લગ્ન નક્કી થયું. સોમવારે (15 ઓગસ્ટે) મારા ફૂલહાર થયાં.'
વચ્ચે પડીને પતિને બચાવવાની કોશિશ કરી પણ..
'એ (મંગળવારે 16 ઓગસ્ટ) રાત્રે અમે મારા જેઠના ઘરે બેઠાં હતા. ત્યાંથી અમે બંને આવીને ઘરે બેઠાં જ હતાં. ઘરનો દરવાજો પણ બંધ હતો. કમલેશ પાણી પીવું છે એમ કહીને બહાર નીકળ્યા. એ જેવા બહાર નીકળ્યા એવા જ આરોપીએ એમને પકડી લીધા અને એમના મોઢે મૂંગોવાળી દીધો. મને ખબર પડી એટલે મે ઘણી બચાવવાની કોશિશ કરી તો એણે મને ધક્કો મારી ઘા કરી. એટલે હું બૂમો પાડવા લાગી કે 'દોડો, દોડો.' હું એમ પૂછતી હતી કે કોણ છો? કોણ છો? મૂકી દો. એમ બૂમો પડતી હતી. ત્યારે મેં એને જોયો હતો. એ યશવંત જ હતો. એ જ વ્યક્તિએ મારા ઘરવાળાનું ખૂન કર્યું છે એણે આખી જિંદગી સજા મળવી જોઈએ. એ જેલમાંથી કોઈ દિવસ છૂટવો ન જોઈએ. અહીયાં મારા જેઠ એકલા છે, ત્યાં મારો ભાઈ એકલો છે. એ છૂટો થશે તો મારા પરિવારના તમામ વ્યક્તિને મારી નાખશે. એ ક્યારેય છૂટવો જોઈએ નહીં. એને ફાંસીની સજા મળવી જોઈએ.' આટલી વાત કરતાં જ કોમલબેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યાં હતાં.
આરોપીને મારવા દોડ્યો અને લોહીલુહાણ ભાઈ પગમાં આવ્યો
જ્યારે મૃતક કમલેશભાઈના મોટાભાઇ વિનોદભાઇ સાથે વાત થતાં તેમણે કહ્યું હતું કે કમલેશભાઈના અગાઉ લગ્ન થયેલા હતા. જોકે બંનેનો મનમેળ નહોતો એટલે છૂટાછેડા લઈ લીધા હતા. વિનોદભાઈએ કહ્યું હતું, 'અમને તો આરોપી કોણ છે, શું કરે છે કંઈ ખબર નથી. અમે કોઈ દિવસ એને જોયો પણ નથી. એ સાંજે અમારો આખો પરિવાર સાથે જમ્યો હતો. એ પછી 10-10.30 વાગ્યા ત્યારે કમલેશે કહ્યું અમે થાકી ગયા છીએ એમ કહીને સૂવા જતા રહ્યા. એ પછી મારા ઘરની લાઇટ બંધ થઈ ગઈ હતી પણ 11 વાગ્યા સુધી હું જાગતો જ હતો. અચાનક ઘરની લોબીમાંથી બૂમ આવી. એક 'આહ' કરીને અવાજ આવ્યો એટલે મને થયું કે કમલેશને જંગલી જનાવર કરડી ગયું. એટલે હું ત્યાં પહોંચ્યો તો આરોપી દેખાયો. મારી સામે છરીનો ઘા ઉગામ્યો. મારી પાસે હથિયાર નહોતું એટલે હું પાછો પડ્યો. અને તરત એક મોટો લાકડો ઉપાડીને એની પાછળ દોડતા એ ભાગવા લાગ્યો. ત્યાં તો મારો ભાઈ લોહીલુહાણ હાલતમાં મારા પગમાં આવ્યો. એટલે હું આરોપીને પડતો મૂકી મારા ભાઈને સાચવવામાં પડ્યો. એ વખતે કામલેશની પત્ની કોમલ પણ બૂમાબૂમ કરતી હતી.
પિતરાઇ ભાઈએ ગોઠવ્યું હતું
વિનોદભાઈએ વધુમાં કહ્યું હતું, 'એ પછી મારા એક પિતરાઇભાઈએ જાણ કરી કે મારી એક સાળી છે, તારા ભાઇનું ગોઠવવું હોય તો કહેજે. અમે એમને મળ્યા ત્યારે વાત કર્યા બાદ એમણે કીધું હતું કે દીકરી એક દોઢ વરસ પહેલા ગઈ હતી, પરંતુ હવે ઘરે આવી ગઈ છે અને એકબીજાથી છૂટા પડી ગયા છે. ઉપરાંત એના લગ્ન કે કોર્ટ મેરેજ કંઈ થયેલા નથી. યશવંત અને કોમલને હવે કોઈ લેવાદેવા નથી. આવું બધું થઈ શકે એવું ખબર હોય તો તો કોઈ પડે જ નહીં.'
આવી ઘટનાની કલ્પના જ નહતી
વિનોદભાઈ આગળ ઉમેર્યું હતું, 'કમલેશ નાનો હતો ત્યારથી કાયમ પેશાબ-પાણી માટે ત્યાં જતો. આ ઘટના બની ત્યારે કોઈ બૂમ કે મારામારી જેવી કોઈ વાત જ બની નહોતી. એ વ્યક્તિએ સીધા જ છરીના ઘા મારી દીધા હતા. મને એમ કે આરોપી ઘરમાં કૂદ્યો હશે તો એણે બૂમ મારી હશે. મારે કોઈની સાથે ઝઘડો કે માથાકૂટ કંઈ હતું જ નહીં, પરંતુ આવી ઘટના અંગે તો વિચાર્યું પણ નહોતું. ઘટના બાદ લોહીવાળું હથિયાર, આરોપીનું આઇકાર્ડ અને પાકીટ ત્યાં જ રહી ગયા હતા.'
આરોપી ગામમાં 2-3 દિવસથી આંટા મારતો હતો
વિનોદભાઈએ આગળ કહ્યું હતું, 'બનાવ બની ગયો પછી ગામના લોકો કહેતાં કે આ વ્યક્તિ 2-3 દિવસથી અલગ જગ્યાએ આપણાં ગામમાં આંટા મારતો જ હતો, પરંતુ એ વિષે મને ખ્યાલ નથી. પરિવારમાં મારા માતા સોનલબેન, મોટાભાઇ પ્રવીણભાઈ અને નાનાભાઈ કમલેશ (હવે આ દુનિયામાં નથી) સહિતના લોકો છે. પરિવારના લોકો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. અમારા બે મકાન છે. એની વચ્ચે એક મકાન છે.'
આરોપી ગામમાં પણ ઝગડા કરતો
કોમલે જણાવ્યું હતું, 'પહેલાં યશવંત પોતાના પરિવાર સાથે વડીયા ગામે જ રહેતો હતો. એ વડિયાનો જ છે. ગામમાં પણ આજુબાજુના લોકો સાથે અવારનવાર ઝઘડા થયાં જ કરતા. આ ઘટના બન્યા પછી એનો પરિવાર એને નથી બોલાવતો. એણે જે કૃત્ય કર્યું છે, એને કારણે એને નાતની બહાર કાઢી મૂક્યો છે. એણે પહેલાં મને ક્યારેય એવી ધમકી આપી નહોતી પણ મારી સાથે રહેતો હતો ત્યારે અવારનવાર મારી સાથે ઝઘડતો હતો. મારા પરિવારના સપોર્ટથી મેં લગ્ન કર્યા અને અહીંયા આવીને એણે આવું કરી નાખ્યું.'
SOURCE LINK : DIVYABHASKAR