જસદણના સાણથલી પંથકના લોકોની ST બસ સુવિધા સાથે લેણાદેણી જ નથી
- જસદણ અને ગોંડલ ડેપોના મેનેજર્સ મનમાની ચલાવતા હોઇ, લોકોને પરેશાની
- બસ રૂટ ગમે ત્યારે શરૂ કરી દેવાય અને સૂચના વગર બંધ કરી દેવાતાં ઉતારુઓ ત્રસ્ત
જસદણના સાણથલી ગામ અને વિસ્તારના લોકો માટે એસ.ટી.તંત્ર ઓરમાયું રાખી રહ્યું છે સાણથલી અને આ વિસ્તારના લોકો માટે જસદણ ડેપો અને ગોંડલ ડેપોની બસ ફાળવાતી હતી અને આ રીતે પ્રજા માટે સુવિધા આપવામાં આવતી હતી પરંતુ રાજકોટ ડિવીઝન ઓફિસરના કંટ્રોલમા ન હોવાના કારણે આ બંને ડેપોના અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે.
આ વિસ્તારના તમામ રૂટ, અવારનવાર મન ફાવે ત્યારે કેન્સલ કરી નખાય છે. એસટીમાં જીપીએસ સિસ્ટમ રાખવામાં આવે છે પરંતુ આ વિસ્તારના તમામ રૂટ અનિયમિત જ દોડે છે અને મોટાભાગે રૂટ કેન્સલ કરવામાં આવતા હોય એની જાણ સ્થાનિક ડેપો મેનેજર અને ડિવિઝન ઓફિસરને હોતી નથી.
સાણથલીમાં તાજેતરમાં સતત છ દિવસ સુધી સાણથલી નાઈટ રૂટ કેન્સલ કરવામાં આવ્યા હતા, આ બાબતે જસદણ ડેપો મેનેજરને પૂછતાં એવો જવાબ મળ્યો હતો કે મુખ્યમંત્રીના કાર્યક્રમમાં વાહનો ગયા છે તો તું શુ મુખ્યમંત્રીના કાર્યક્રમ માં છ દિવસ સુધી જસદણ ડેપોના વાહનો ગયા હશે ? અને ડિવિઝન ઓફિસર અજાણ હતા કે પછી પુરતી માહિતી નહોતી? એવા સવાલ પણ લોકોમાંથી ઉઠી રહ્યા છે.
મેનેજરના ફોન વર્કશોપના કર્મચારી જ રિસીવ કરે
સાણથલી વિસ્તારને લગતા એસટી બસ રૂટ કેન્સલ કરવામાં પ્રાથમિકતા આપવામાં આવતી હોય સ્થાનિક કાર્યકરો આગેવાનોના ફોન ઉપાડવામાં આવતા નથી એવો રોષ લોકોમાંથી ઉઠી રહ્યો છે. ગોંડલ ડેપો મેનેજરનો ફોન મેનેજરના બદલે દરેક વખતે અલગ અલગ વર્કશોપના કર્મચારી ઉપાડે છે. મોટાભાગે ફોન લાગતો જ નથી. સાણથલી વિસ્તાર માટે એસટી તંત્રના બેજવાબદાર વર્તનથી આ વિસ્તારના લોકો ત્રાહિમામ છે.