વિંછીયામાં વેપારીના બંધ મકાનમાં ચોરી: લાખોની મત્તાની તસ્કરો ચોરી ગયાં
હુસામુદ્દીન કપાસી દ્રારા જસદણ
તા.૫
વિંછીયામાં ધોળા દિ'એ તસ્કરો બંધ મકાનને નિશાન બનાવી રોકડ અને દાગીના સહીત ૭.પ૦ લાખની મતા ચોરી કરી ગયા હતા. મસમોટી ચોરીના બનાવ અંગે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયામાં પીપળાધાર સમઢીયાળા રોડ ઉપર વાડીના મકાનમાં રહેતા વેપારી ભરતભાઇ મેરામભાઇ રાજપરા (કોળી)ના બંધ મકાનને ધોળા દિ'એ તસ્કરોએ નિશાન બનાવી મકાનનું તાળુ તોડી તિજોરી તથા કોઠારમાંથી સોનાના દાગીના ૬ તોલા, ચાંદીના દાગીના કિ.૩૦,૦૦૦ તથા રોકડા રૂા. ૪,૭૦,૦૦૦ મળી કુલ ૭,પ૦,૦૦૦ની મતા ઉસેડી ગયા હતા. ફરીયાદી વેપારી ભરતભાઇ રાજપરા સવારે વેપાર માટે પોતાની દુકાને ગયા હતા. ત્યાર બાદ ફરીયાદીનો દિકરો ધવલ તથા ફરીયાદીના પત્ની નિમુબેન સીમંત વિધિમાં જમવા માટે વિંછીયા ગયા હતા એ દરમ્યાન બપોરના ૧૧.૩૦ થી ૧.૩૦ વાગ્યાના અરસામાં તસ્કરો બંધ મકાનના તાળા તોડી ઘર સાફ કરી ગયા હતા. સીમંત વિધીમાંથી પરત આવ્યા બાદ ઘરના તાળા તુટેલા જોતા પોલીસને જાણ કરતા વિંછીયાના પીએસઆઇ આર.કે.ચાવડા સહીતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.
બનાવની જાણ થતા ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતો દોડી ગયા હતા. રૂરલ ક્રાઇમ બ્રાંચનો કાફલો પણ દોડી ગયો હતો.વિંછીયા પોલીસે વેપારી ભરતભાઇની ફરીયાદ ઉપરથી અજાણ્યા ઇસમો સામે ગુન્હો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. વધુ તપાસ વિંછીયાના પીએસઆઇ આર.કે.ચાવડા ચલાવી રહયા છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352