દેશના પૂર્વ વડાપ્રધાન સ્વ. ઇંદિરા ગાંધીની આજે 105 મી જન્મ જ્યંતી
આજથી બરાબર 105 વર્ષ પહેલા 19 નવેમ્બર 1917ના દિવસે શ્રીમતી ઇન્દિરા ગાંધીએ નહેરૂ પરિવારમાં અલ્હાબાદના આનંદ ભવન ખાતે જન્મ લીધો હતો. રાષ્ટ્રપ્રેમ અને દેશ ભક્તિ બાળપણથી જ તેમની રગોમાં દોડતા હતા. સમગ્ર દેશમાં અંગ્રેજો વિરુદ્ધ ચાલતી અસહકારની ચળવળ તથા અંગ્રેજ હટાવ ઝુંબેશનો પ્રભાવ બચપણથી નાનકડી ઇન્દિરા પર પડ્યો હતો. રવિન્દ્રનાથ ટાગોરના શાંતિ નિકેતનમાં શિક્ષણ માટે ગયેલા ઇન્દિરાજીને ભારતીય સંસ્કૃતિનો અહીં નજીકથી પરિચય થયો વધુ અભ્યાસાર્થે તેઓ પછીથી સ્વીટઝર્લેન્ડ ગયા. ઔપચારિક શિક્ષણ ઉપરાંત પિતા જવાહરલાલએ વિશ્ર્વ ઇતિહાસની જાખી ઇન્દિરાજીને કરાવી હતી. દીકરીને જીવન ઘડતરમાં ઉપયોગી થાય એવા પત્રો પણ લખેલા તે દરમિયાન ઇન્દિરાજીની કાર્યશૈલી ચાણક્યની વધુ નજીક હોય તેવું જણાતું હતું. આમ છતાં પરીશ્રમ જેવા લક્ષણો ઇન્દિરાજીમાં સ્પષ્ટ જોવા મળતા હતા. 1955ની સાલમાં ઇન્દિરા ગાંધીએ સક્રિય રાજકારણમાં ઝંપલાવ્યું. કોંગ્રેસ કમિટિના સભ્ય બન્યા અને 1959માં કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમની વરણી થઇ. કોંગ્રેસને સંગઠીત કરવા તેમણે ભારે જહેમત ઉઠાવી પ્રજાની નીકટ રહીને તેમણે ભારે લોકચાહના મેળવી. 1962માં ભારત પર થયેલા ચીનના આક્રમણ સમયે ઇન્દિરાજીને સૈનિકોને હિંમત પુરી પાડી ગંભીરતાપૂર્વક સામનો કરવા માર્ગદર્શન આપી આત્મબળ આપ્યું હતું. 1969માં કોંગ્રેસ ભાગલા પડ્યા. ઇન્દિરા કોંગ્રેસનો ઉદય થતા તેમણે ગરીબી હટાવનું સુત્ર આપ્યું અને આ સુત્રની ઘોષણાથી રાષ્ટ્રમાં નવી ચેતનાનો સંચાર થયો હતો.
ત્યારબાદ પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે પાકિસ્તાનને ચુપ કર્યા બાદ વિશ્વમાં ઇન્દિરાજીના નામનો ડંકો વાગી ગયો તેમની આ બહાદુરીની વિશ્ર્વના દરેક દેશોએ નોંધ લીધી હતી અને ભારત સરકારે પણ તેમને ભારત રત્નના એવોર્ડથી પુરસ્કૃત કર્યા હતા. ત્યારબાદ પંજાબ પ્રશ્ર્ન ગંભીર બન્યો, અલગ ખાલીસ્તાનની માંગણીએ જોર પકડયું છતાં જાનના જોખમે તેમણે સુવર્ણ મંદિરમાં લશ્કરી કામગીરી આરંભી અને જીંદગીની છેલ્લી ક્ષણ સુધી ઝઝુમ્યા તેમના અંતિમવર્ષો આપતિના વર્ષો હતા. જુવાનજોધ પુત્રનું અવસાન નાની પુત્રવધુએ છોડેલો સાથે અને પંજાબ જેવા રાજ્યોના સંકટોએ તેમની શક્તિ નીચોવી દીધી હતી. આમ છતાં રાષ્ટ્ર માટે પ્રાણ ન્યોચ્છાવર કરવાની તેમની પુર્ણ તૈયારી હતી. મૃત્યુના આગલા દિવસે જાહેરસભામાં તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રની સેવા કરતું હું મૃત્યુ પામીશ તો મને ગર્વ થશે. મારા લોહીનું એક એક ટીપુ રાષ્ટ્રના વિકાસમાં ફાળો આપશે અને દેશને મજબૂત બનાવશે એવો વિશ્ર્વાસ તેમણે જાહેર કર્યો હતો. પરંતુ કમનીસેબે બીજે જ દિવસે એટલે કે તા.31મી ઓકટોબર 1984ના બુધવારની સવારે ખાલીસ્તાન તરફીઓએ તેમને બંદુકની ગોળીએ વિંધી દીધા આમ દેશની મહાન નેતા, નારી શક્તિ અંત થયો.
લેખન
દુરૈયાબેન એસ મુસાણી રાજકોટ
Tags:
News