અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા પરીક્ષા રદ, 9 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું

જુનિયર ક્લાર્કનું પેપર ફૂટતા પરીક્ષા રદ, 9 લાખથી વધુ ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું

રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. પરીક્ષા પહેલાં પેપર લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી છે. આ બાબતે પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે. યુવક પાસેથી પ્રશ્રપત્રની નકલ મળી આવી હતી. પેપર મોકૂફ લેવાનો નિર્ણય લેવાતા આખરે 9 લાખ 53,000થી વધુ ઉમેદવારોની મહેનત પાણમાં ગઈ છે. 

પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષા માટે હવે પછી બીજી તારીખ જાહેર કરાશે. આ પરીક્ષા માટે 7500 પોલીસ સ્ટાફ અને 70 હજાર પરીક્ષા સ્ટાફ પરીક્ષામાં તૈનાત કરવામાં આવ્યો હતો. વિવિધ જિલ્લાઓમાંથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો પરીક્ષા કેન્દ્રથી પોતાના મુળ રહેઠાણ ખાતે પરત જવા ગુજરાત એસ.ટી.બસમાં વિનામુલ્યે પ્રવાસ કરી શકશે. જે માટે ઉમેદવારે પોતાનો પ્રવેશપત્ર (કોલલેટર અથવાહોલ ટિકિટ)અને એસલ ફોટો ઓળખપત્ર બતાવીને ગુજરાત એસ.ટી.બસમાં વિનામુલ્યે મુસાફરી કરી શકશે.

junior-clerks-paper-exploding-examination-cancelled-police-arrest-one-accused

પેપર લીક થવાથી ઉમેદવારોમાં નિરાશા

પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ 3 જૂનિયર ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે લાંબા સમય બાદ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના 2,995 પરીક્ષા કેન્દ્રના 31,794 વર્ગખંડમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. જ્યારે ફરી એક વાર પેપર લીક થવાની ઘટનાથી પરીક્ષા આપતા ઉમેદવારોમાં નિરાશા જોવા મળી છે. ગુજરાતમાં પેપર લીક થવાનો સિલસિલો યથાવત રહ્યો છે. અગાઉ પણ પેપર લીક થવાની ઘટનાઓ સામે આવી ચુકી છે. જ્યારે ફરી એકવાર પેપર લીક થવાની ઘટના સામે આવતો મહેનત કરતા ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી છે.

પેપર લીકની ઘટનાને લઈને આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને ભાજપ સરકાર પર આક્ષેપ કર્યો છે. ઈસુદાન ગઢવીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ગજબ! પેપર નહીં ઉમેદવારોની કિસ્મત ફૂટી છે! ભરોસાની ભાજપ સરકારના કરોડો રૂપિયાના ખર્ચે લાગેલ બેનરોથી ઉમેદવારો અને એમના માતા-પિતા ફરી ભરોસો કરીને 99થી વધારીને 156 સીટો આપી. પરંતુ ભાજપે ફરી કૌભાંડો અને પેપર ફોડવાનું શરુ કરી દીધું! પંજાબમાં આરોગ્ય મંત્રીએ એક ટકો કમિશન માંગ્યું હતું.


પોલીસે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી

જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) ની સ્પર્ધાત્મક પરીક્ષા તા.29- 1- 2023 (રવિવાર)ના રોજ સવારે 11 થી 12 કલાક દરમ્યાન વિવિધ જિલ્લાઓ ખાતે યોજાનાર હતી. 29-1-2023ની વહેલી સવારે પોલીસ તરફથી મળેલ માહિતી મુજબ પોલીસને મળેલ બાતમી આધારે એક શંકાસ્પદ ઇસમની ધરપકડ કરી ઘનિષ્ઠ પુછપરછ કરતાં તેની પાસેથી ઉપરોકત પરીક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી આવેલ છે. ઉપરોકત બાબતે તાત્કાલિક અસરથી ફોજદારી રાહે પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કરવામાં આવી રહી છે. પરંતુ ઉમેદવારોના વિશાળ હિતમાં તા.૨૯-૦૧-૨૦૨૩ ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા “મોકુફ” કરવા મંડળ ધ્વારા નિર્ણય કરવામાં આવેલ છે, સદર પરીક્ષા નવેસરથી વહેલી તકે ત્વરીત યોજવામાં આવશે, જેની તારીખ મંડળ દ્વારા ટુંક સમયમાં હવે પછી જાહેર કરવામાં આવશે.

વિદ્યાર્થીઓને પેપર લીક થતા મોટો ધ્રાસ્કો પડ્યો

આજે પંચાયતની પરીક્ષા રદ્દ થતા અનેક અનેક ઉમેદવારના સપના રોળાયા છે. ત્યારે ગુજરાતભરના લાખો બેરોજગારોના ભવિષ્ય પર ફરી પેપર લીક કરનારા એ ભવિષ્ય પણ ફોડી નાખ્યું છે. આજે જુનિયર ક્લાર્ક ની પરીક્ષા આપવા માટે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જઈ રહેલા અનેક વિદ્યાર્થીઓને પેપર લીક થતા મોટો ધ્રાસ્કો પડ્યો હતો. તો દૂર દૂરથી દૂર દૂરના કેન્દ્ર પહોંચેલા પરીક્ષાર્થીઓને ધક્કો ખાવોનો વારો આવ્યો છે.

અનેક વિદ્યાર્થીઓને પેપર લીક થતા મોટો ધ્રાસ્કો પડ્યો

પાટણ થી ગાંધીનગરના પરીક્ષા કેન્દ્ર પર જઈ રહેલા ભાર્ગવ ચૌહાણ નામના યુવકે જણાવ્યું હતું કે સરકારે પેપર રદ કર્યું તે સારું કર્યું છે, નહીં તો આવી સ્થિતિમાં પરીક્ષા લેવાઈ ગઇ હોત તો શું થાત? ભલે મોડી ખબર પડી પણ જાણ કરી દેવાતા અમે પરીક્ષા કેન્દ્ર નહીં જઇએ અને વચ્ચેથી જ પાછો જતા રહીશું. જ્યારે તેની સાથે રહેલા યુવકે કહ્યું હતું કે પરીક્ષા રદ થતાં અમે ખૂબ જ નિરાશ થયા છીએ. સરકાર વહેલા ખબર કરી દેતી હોત તો હેરાન ન થવાય.

વધુ નવું વધુ જૂનું