દાઉદી વ્હોરા સમાજમાં બુધવારથી પવિત્ર રમઝાન માસનો પ્રારંભઃએક માસ સુધી વ્હોરા મસ્જિદો નમાઝીઓથી ગુંજી ઉઠશે
(હુસામુદીન કપાસી દ્વારા) જસદણ દેશ અને દુનિયાની સાથોસાથ દાઉદી વ્હોરા સમાજમાં ઇસ્લામ ધર્મમાં અતિ પવિત્ર લેખાતો પાક રમઝાન માસનો બુધવારથી મિસરી કેલેન્ડર મુજબ પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે રાજકોટ, જામનગર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, પોરબંદર, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર, જસદણ, સહિતની તમામ વ્હોરા મસ્જિદો નમાઝીઓથી ગુંજી ઉઠશે.
બુધવારે પ્રથમ રોજું હોય ત્યારે સૌરાષ્ટ્રના પ્રત્યેક વ્હોરા બિરાદરો અલ્લાહના રંગમાં રંગાઇ રોઝા નમાઝ ઝકાત જેવા અનેક ઇસ્લામી નેકકાર્યોમાં સામેલ થઇ સળંગ એક માસ સુધી અલ્લાહમય બની જશે. દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમાં દાઇ (સર્વોચ્ચ ધર્મગુરૂ) નામદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલીકદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) વિખ્યાત તીર્થધામ ગલિયાકોટમાં પવિત્ર રમઝાન માસ ગાળવાના હોય ત્યારે આગામી સમયમાં સૌરાષ્ટ્રમાંથી બહોળી સંખ્યામાં વ્હોરા બિરાદરો ત્યાં ડો. સૈયદના સાહેબના સાંનિધ્યમાં ઇબાદત કરશે એમ જાણવા મળેલ છે. ખાસ કરીને રાજકોટમાં છ મસ્જિદો અને નાના મોટા હોલ સહિત ૧૫ જગ્યાએ નમાઝ થશે પાક રમઝાન માસને લઇ વ્હોરા બિરાદરોમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.
હુસામુદ્દીન કપાસી જસદણ
મો.9924014352
Tags:
News