જસદણના વડોદ ગામના યુવાનનું લાલકા ગામ પાસે શંકાસ્પદ મોત પરિવારનો હત્યાનો આક્ષેપ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના લાલકા ગામ પાસે વડોદના બાઈક ચાલક યુવકને આંતરી અજાણ્યા શખ્સોએ માર માર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો ત્યારે રસ્તામાં જ યુવાને દમ તોડી દીધો હતો. પરંતુ આ ઘટનાને અકસ્માતમાં ખપાવવા હુમલાખોરોએ ઇજાગ્રસ્ત યુવાન પાસે ટ્રેક્ટર અને દારૂની થેલીઓ મૂકી નાસી ગયા હોવાનો મૃતક યુવકના પરિવારે આક્ષેપ કર્યો છે. પોલીસ દ્વારા મોતનું સચોટ કારણ જાણવા માટે મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જસદણ તાલુકાના વડોદ ગામે રહેતા વિક્રમ લવાભાઈ ચારોલા નામનો 19 વર્ષનો યુવાન સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં પોતાનું બાઈક લઇ લાલકા ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે ચાર અજાણ્યા શખ્સોએ વિક્રમ ચારોલાના બાઇકને આંતરી ઝઘડો કરી કોઈ હથિયાર વડે હુમલો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે જસદણ ખસેડવામાં આવ્યો હતો.જ્યાં તેની તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં પણ સારવાર થઈ શકે તેમ ન હોવાથી યુવાનને અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ વિક્રમને સારવાર મળે તે પહેલા જ દમ તોડ્યો હતો.
આ અંગે મૃતક વિક્રમ ચારોલાના પિતા લવાભાઈ ચારોલાની પ્રાથમિક પૂછપરછમાં વિક્રમ ચારોલા બાઇકમાં પેટ્રોલ પુરાવા માટે જઈ રહ્યો હતો. ત્યારે લાલકા પાસે એક શખ્સે ગાળો ભાંડી હતી. તેમ છતાં વિક્રમ ચારોલા પેટ્રોલ પુરાવવા જતો રહ્યો હતો અને પરત ફરી રહ્યો હતો. ત્યારે ચાર અજાણ્યા શખ્સોએ વિક્રમ ચારોલાના બાઇકને આંતરી માર માર્યો હતો અને હુમલાખોર શખ્સોએ બનાવને અકસ્માતમાં ખપાવવા ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા વિક્રમ ચારોલા પાસે ટ્રેક્ટર અને દારૂની થેલીઓ મૂકી હુમલાખરો નાસી ગયા હોવાનો મૃતકના પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે જસદણ પોલીસે વધું તપાસ હાથ ધરી છે અને મોતનું સચોટ કારણ જાણવા માટે મૂતદેહ ને ફોરેન્સિક પીએમ માટે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.