આજે 1500 રૂપિયા ખર્ચતા પણ ફિલ્મ જોવાની મજા કેમ આવતી નથી ?
આજે ઓ.ટી.ટી.અને મલ્ટીપ્લેક્સના જમાનામાં ફિલ્મો જોવાની અસલી મજા મરી ગઈ છે પહેલા સાવ નજીવા દરે બે ચાર રૂપિયામાં ફિલ્મ જોવા જતા તો એ ફિલ્મોનો નશો દિવસો સુધી ઉતરતો નહી.કેટલાય સમય સુધી આપણે ફિલ્મના ગીતો ડાયલોગ વારેવારે બોલ્યા કરતા હતા .અરે પહેલા થિએટરમાં બહાર શો કેશમાં લાગેલા ફિલ્મના ફોટા જોવામાં જે મજા રોમાંચ હતો તે આજે સહકુટુંબ પરિવાર સાથે 1500 રૂપિયા ખર્ચવા છતાં એ મજા ઉત્સુકતા રોમાંચ તાલાવેલી આવતી નથી .
80 ના દાયકામાં ફિલ્મ જોવા જવું એક ખાસ વાત હતી .ફિલ્મ શુકવારે રજૂ થવાની હોય તો આગળના સોમવારે સવારે 10 થી 12 ફિલ્મનું એડવાન્સ બુકીંગ થતું હતું.કેટલાક સીનેરસિક મિત્રો સવારે 8 વાગ્યા પહેલાથી લાઈનમાં ગોઠવાઈ જતા હતા 10 વાગે બારી ખુલે તે વખતે બારી પર ભીડ જોવા જેવી થતી હતી .એમાં જો ટીકીટ ક્લાર્ક કે ગેટકીપર તમારો ઓળખતો હોય તો તમારો વટ પડી જતો હતો બુકીંગ બારી નાની જરા ખુલતી હતી એ સાંકડી જગ્યામાં માંડ માંડ એક હાથ ઘુસતો હોય તેમાં જલ્દી જલ્દી પૈસા આપી દેવાના રહેતા હતા ફટાફટ બોલી દેવાનું હતું કે શુક્રવાર ફર્સ્ટ શો ચાર ટીકીટ .ટીકીટ મળ્યા પછી બહાર નીકળવાનો રસ્તો માંડ માંડ મળતો કેટલીક વખત લાઈનમાં શર્ટના બટન તૂટી જતા હતા સાદી સ્લીપરની પટ્ટી તૂટી જતી હતી પણ એની કોઈ પરવા કરતું નહી.હાલત ખરાબ થઈ જતી હતી હુલિયો બગડી જતો હતો મોઢું અને વાળ ખરાબ થઈ જતા હતા પણ બસ ટીકીટ મળી ગઈને એના આનંદ ખુશી સામે બાકીનું બધું માફ.
આજે ઓનલાઈન બુકીંગમાં મોબાઇલમાં ટીકીટ આવી જાય છે તે વખતે ભાડાની સાયકલ પર ડબલ કે ટ્રિપલ સીટ બુકીંગ કરાવવા જતા હતા ટીકીટ મળ્યા પછી આખા મોહલ્લામાં શેરીમાં ટીકીટ બતાવી વટ મારતા હતા.એ મજા ક્યાં ખોવાઈ ગઈ?
ફિલ્મ જોવા જતી વખતે પંખા આસપાસની સીટ શોધવી ચાલુ ફિલ્મે જાતજાતની કૉમેન્ટ થતી .ઇન્ટરવલમાં એક રૂપિયાની કોલીટી કે 50 પૈસાના દાણાચણા ખાવાની મજા હવે ક્યાંથી લાવવી?
કેટલા દિવસો સુધી ફિલ્મની અસર રહેતી હતી હીરોની નકલ ફિલ્મના ગીતો વારંવાર ગાવા ડાયલોગની નકલ કરવી અમુક વિરલાઓ આખા આખા ડાયલોગ યાદ રાખી શકતા હતા હજુ પણ તમને સુરતમાં પણ શોલે કે મુગલે આઝમ જેવી ફિલ્મોના આખેઆખા સીન ટુ સીન મોઢે હોય એવા સીનેરસિકો એક બે નહી સેંકડો મળી આવશે.
પહેલા ફિલ્મ જોવાના ત્રણ કલાસ હતા સુરતમાં કેપિટોલમાં આગળની બે લાઇન માત્ર 70 પૈસા એની પાછળ અપર એક રૂપિયો ને વીસ પૈસા અને બાલ્કની એક બે રૂપિયાને દસ પૈસા હતી દર શુકવારે જૂની સુપરહીટ ફિલ્મો રજૂ થતી હતી પહેલા કોઈ ડાયલોગ ગમી જાય તો તાળીઓનો ગડગડાટ થતો કોઈ ગીત ગમી જાય તો ચિલ્લર પૈસાનો વરસાદ થતો.
તે સમયના અખબારોમાં એક આખું પાનું ફિલ્મોને ફળવાતું હતું.ફિલમનું નામ સમય હીરો વિલનના નામ સહિતની જાહેરાત રહેતી હતી
એ સમયે ફિલ્મ જોવા જવું ખાસ વાત ગણાતી હતી એમાં આપણા પસંદગીના હીરોની ફિલ્મ હોય તો વાત જ ના પુછો.
ખિસ્સામાં પૈસા હોય ફિલ્મ જોવા જવું હોય પણ ઘરેથી રજા મળવી મોટી વાત ગણાતી હતી .કેટલીક વખત સ્કૂલમાંથી ગુલ્લી મારી કે ઘરે કહ્યા વગર ફિલ્મ જોવા ભાગી જતા હતા તે યાદ આવે છે તો મોઢા પર સ્મિત આવી જાય છે
તે વખતે રૂપિયો બે રૂપિયા મોટી વાત ગણાતી એમાં જો આપણે ઘરે કોઈ સારા મહેમાન આવ્યા હોય ઘરવાલા એમને ફિલ્મ જોવા લઈ જવાના હોય તે વખતે થિએટરમાની બાલ્કનીના દર્શન કરવા મળતા હતા
પહેલા સમય હતો ફિલ્મ જોવાનું મુડ હતો પણ પૈસા નહોતા આજે પૈસા છે ફિલ્મો છે પણ સાલું થિએટરમાં જઇ ફિલ્મ જોવાનું મુડ થતું નથી મન થતું નથી.
ફિલ્મો નબળી પડી રહી છે કે સીનેરસિકો કાચા પડી રહ્યા છે કઈ સમજ પડતી નથી ફિલ્મો ઢગલેબંધ આવે છે ક્યાં આવે છે ક્યાં જાય છે કઈ ખબર પડતી નથી ગીત સંગીત તો થિએટરમાં જ ભુલાઈ જાય છે પહેલા જેવા સંવાદો હવે ક્યાં આવે છે? કથા પટકથામાં પણ દમ હોતો નથી.એક્ટિંગનું તો નામોનિશાન હોતું નથી બસ ભવ્યતા આલીશાન સેટ સાંજ સજાવટ પાછળ સેટ પાછળ લાખોનો ખર્ચો પણ ફિલ્મમાં જરા પણ મજા નહી.
આપણે હવે બીજી દિવાર મુગલે આઝમ શોલે કે પાકિઝા ક્યારેય જોવા નહી મળે?
અબ્બાસભાઈ કૌકાવાલા
સુરત
93769 81427
Tags:
Information