આટકોટ કે ડી પી હોસ્પિટલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા પ્રદેશ પ્રમુખના હસ્તે હૃદય રોગ વિભાગનું લોકાર્પણ થશે
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ તાલુકાના આટકોટ ખાતેની કે.ડી પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં હૃદયરોગ વિભાગનું લોકાર્પણ મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ પ્રમુખ સહિતના લોકોના હસ્તે કરવામાં આવશે.
જસદણ તાલુકાના આટકોટ ખાતે ગત વર્ષે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ અને હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો. ભરતભાઈ બોઘરાનાં પ્રયત્નોથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કેડી પરવાડીયા સ્પેશિયાલિટી હોસ્પિટલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ અંગે આગેવાનોની એક મીટીંગ કેડી પરવાડીયા હોસ્પિટલ ખાતે મળી હતી જેમાં વિગતો આપતા હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી અને પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘારાએ જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગનું લોકાર્પણ તારીખ ૭-૬-૨૦૨૩ ના રોજ કરવામાં આવશે.
આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ ભાજપના પ્રમુખ સી. આર. પાટીલ, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખભાઈ માંડવીયા, ગુજરાતના ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા, ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલ, જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સહિતના ઉપસ્થિત રહેશે. હોસ્પિટલને એક વર્ષ પૂર્ણ થતાં વિગતો આપતા હોસ્પિટલ નાં મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરતભાઈ બોઘરાએ જણાવ્યું હતું કે એક વર્ષમાં આ હોસ્પિટલમાં પચાસ હજારથી વધારે દર્દીઓની તપાસ કરવામાં આવી છે
તેમજ ૪૧૦૦ જેટલી સર્જરી કરવામાં આવી છે. આ હોસ્પિટલમાં ચાર ઓપરેશન થિયેટર હતા તેમજ દોઢ કરોડના ખર્ચે બે નવા ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યા છે જેનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આઠ કરોડના ખર્ચે હૃદય રોગ વિભાગમાં જાપાનથી અધ્યતન સાધનો અને મશીનરી લાવવામાં આવ્યા છે જ્યાં બાયપાસ સર્જરી, એનજીઓગ્રાફી સહિતની હૃદય રોગ સંબંધિત તમામ સારવાર કરવામાં આવશે. આગામી વર્ષોમાં હોસ્પિટલ ખાતે સ્ટાફ ક્વાર્ટર, કેન્સર વિભાગ, મેડિકલ પેરા મેડીકલ કોલેજ સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવશે. જસદણ અને વિછીયા વિસ્તારના તમામ ગામડાઓમાંથી આગેવાનો, સરપંચો, ભાજપના કાર્યકર્તાઓ, હોદેદારો સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Tags:
News