અમારા WhatsApp ગ્રૃપમાં જોઇન થવા અહિં ક્લિક કરો

શેરબજાર અને ફ્રોડ: રિશ્તા વહી, સોચ નયી

શેરબજાર અને ફ્રોડ: રિશ્તા વહી, સોચ નયી

જલ્દી પૈસા કમાવાના ચક્કરમાં ઘણા લોકો શેરબજાર તરફ વળે છે અને છેતરપીંડી કરનારાઓનો શિકાર બની જાય છે. NSE એ આવા જ કિસ્સાઓ વિશે લોકોને એલર્ટ કર્યા છે.
શેરબજારની રેકોર્ડ રેલીના કારણે મોટી સંખ્યામાં રોકાણકારો બજાર તરફ વળી રહ્યા છે. આ સાથે જ શેરબજાર સાથે જોડાયેલ ફ્રોડના કેસ પણ વધી રહ્યા છે. 

શેરબજાર સાથે જોડાયેલા અનેક પ્રકારના ફ્રોડના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. 

ત્યારે NSE ઇન્ડિયાએ એક આવા જ ફ્રોડ અંગે રોકાણકારોને એલર્ટ કર્યા છે

આ જકાલ શેરબજારનો જમાનો ચાલી રહ્યો છે. માર્કેટ, IPO, સેન્સેક્સ, નિફ્ટી, સ્ટોક વગેરે જેવા શબ્દો હવે શાકભાજીની લારી, ચાની ટપરીથી માંડીને પાનના ગલ્લે પણ સાંભળવા મળે છે.

મોટાભાગનાં લોકો શેરબજારમાં રોકાણ કરતા થયા છે. તેનું એક કારણ એ પણ છે કે શેરબજારમાં રોકાણ કરવું અત્યારે ઘણું સરળ બન્યું છે, જેના માટે ઘણી બધી એપ આવી ગઇ છે.

જેમ શેરબજારમાં રોકાણ કરનારા વધ્યા તેમ શેરબજારના નામે ફ્રોડ કરનારા પણ વધ્યા છે. લોકો શેરબજારમાં રોકાણ સારા વળતરની આશાએ કરતા હોય છે. 

બસ, લોકોની આ નબળાઇ ગણો કે પછી લાલચ, જેનો ઉપયોગ કરીને સાયબર ગઠિયાઓ ચૂનો લગાવી રહ્યા છે. ફ્રોડના પણ પાછા ઘણા પ્રકાર છે.

ડીપફેક વીડિયો દ્વારા ફ્રોડ

દુનિયામાં અત્યારે AIની બોલબાલા છે. દરેક ક્ષેત્રની માફક ફ્રોડ માટે પણ AIનો ઉપયોગ થઇ રહ્યો છે. ડીપફેક વીડિયો વિશે તમે જાણતા જ હશો.

આ ડીપફેક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને મોટા બિઝનેસમેન કે પછી કોઇ પ્રભાવશાળી વ્યક્તિનો ફેક વીડિયો બનાવવામાં આવે છે. વીડિયોમાં તેઓ સારા વળતર માટે કોઇ પ્લેટફોર્મ પર રોકાણ કરવાની સલાહ આપે છે અથવા તો અમુક કંપનીના શેર ખરીદવાનું કહે છે. 

સીધી વાત છે કે તેમની વાતોમાં આવીને લોકો રોકાણ પણ કરે છે અને સરવાળે પૈસા ગુમાવે છે. આ ફ્રોડને દાખલા સાથે સમજીએ.

હાલમાં થોડા સમય પહેલાં દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તેઓ કોઇ ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાની સલાહ આપતા હતા. 

સાથે જ ધમાકેદાર વળતરની ગેરંટી તો ખરી જ. આ વીડિયો જોઇને ઘણા લોકોએ તે કંપનીમાં એકાઉન્ટ ખોલાવ્યાં અને રોકાણ પણ કર્યું. 

સારું વળતર તો દૂરની વાત પણ મૂળ રકમ પણ જતી રહી. એલોન મસ્કનો વીડિયો અને કંપની બંને ફેક હતાં. AIનો ઉપયોગ કરીને એલોન મસ્કના જૂના વીડિયોને એડિટ કરવામાં આવ્યો હતો.

ભારતની વાત કરીએ તો જૂન મહિનામાં NSE એટલે કે National Stock Exchange દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી હતી કે NSE ચીફ આશિષકુમાર ચૌહાણના કેટલાક ડીપફેક વીડિયો અને ઓડિયો ફરી રહ્યા છે, જેમાં તેઓ રોકાણ માટેની સલાહ આપી રહ્યા છે. 

આ વીડિયો અને ઓડિયો બંને ફેક છે, એટલે લોકોએ તેના પર વિશ્વાસ ના કરવો. તે પહેલાં એપ્રિલમાં Bombay Stock Exchange (BSE) દ્વારા પણ આવી જ ચેતવણી આપવામાં આવી હતી કે તેમના CEO સુંદરરમણ રામમૂર્તિના રોકાણની સલાહ આપતા વીડિયો સામે આવ્યા છે, જે ફેક છે.
ત્યાં સુધી કે મુકેશ અંબાણી અને અનંત અંબાણીના પણ આવા ડીપફેક વીડિયો બની ચૂક્યા છે, જેમાં તેઓ રોકાણની સલાહ આપી રહ્યા છે. 

એટલે સો વાતની એક વાત કે સારા વળતરની લાલચમાં આવીને આવા કોઇ વીડિયો પર વિશ્વાસ ના કરવો. તેમાંય જ્યારે પૈસા અને રોકાણની વાત આવે ત્યારે તો કોઇનાથી Influence થતા પહેલાં હજાર વખત વિચારો.
સચેત રહો, સલાહ લો

કોઇ એક વીડિયોના આધારે રોકાણ કરવાનો નિર્ણય ના લો, ભલે ગમે તેનો વીડિયો હોય. 

વીડિયો ક્યાંથી આવ્યો છે, કોણે પોસ્ટ કર્યો છે અથવા કોણે મોકલ્યો છે તેની તપાસ કરો.

જે કંપનીમાં રોકાણની વાત હોય તેની વેબસાઇટ અને પ્રોફાઇલ ચેક કરો.

કંપની વિશે થોડું રિસર્ચ કરો, ઇન્ટરનેટ પર ખાંખાખોળા કરો, બે ત્રણ લોકોની સલાહ લો.

ટેલિગ્રામ, વૉટ્સએપ અને એપ્લિકેશન
જો તમે શેરબજારમાં રોકાણ કરતા હશો તો તમને ખ્યાલ હશે કે ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝના નામે સેંકડો ટેલિગ્રામ ચેનલ અને વૉટ્સએપ ગ્રૂપ ચાલે છે. 

જોકે, ‘પીળું એટલું બધું સોનું નથી હોતું,’ આ વાત અહીં પણ લાગુ પડે છે. 

આ બધા ગ્રૂપમાં પણ સારા વળતરની લાલચ આપીને લોકો પાસે રોકાણ કરાવવામાં આવે છે. 

ત્યારબાદ લોકોને ચૂનો લગાવવામાં આવે છે. 

કહેવાનો અર્થ એ નથી કે બધા વૉટ્સએપ ગ્રૂપ અને ટેલિગ્રામ ચેનલ આવા ફ્રોડ કરે છે, પણ સાચું કોણ અને ખોટું કોણ તેનો ભેદ હવે ભુંસાઇ ગયો છે.


હાલમાં જ પુણેના એક ડોક્ટર સાથે શેરબજારમાં રોકાણના નામે 1.2 કરોડ રૂપિયાનું ફ્રોડ થયું છે. 

ડોક્ટરને મેસેજ આવ્યો, જેમાં શેરબજારમાં રોકાણ કરી સારા વળતરની વાત કરવામાં આવી હતી. 

ત્યારબાદ ડોક્ટરને વૉટ્સએપ ગ્રૂપમાં એડ કરવામાં આવ્યા. પછી ગ્રૂપમાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહેવાયું.

સારા વળતરની લાલચે ડોક્ટરે ધીમે ધીમે કરીને 1.2 કરોડ રૂપિયાનું રોકાણ કરી નાંખ્યું. 

એટલે કે સાયબર ગઠિયાએ કહ્યું તે એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરી દીધા. ત્યારબાદ જે એપ ડાઉનલોડ કરી હતી તેમાં તો તેમનું બેલેન્સ વળતર સાથે 10 કરોડ રૂપિયા બતાવતું હતું. 

ત્યારબાદ ડોક્ટરે તે પૈસા ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો પણ ના થયા! ત્યારે છેક સમજાયું કે આ તો ફ્રોડ થયું.

આટલું ધ્યાન રાખો

શેરબજારમાં રોકાણની સલાહ આપતા અજાણ્યા મેસેજ કે જાહેરાત પર બિલકુલ વિશ્વાસ ના કરો.

રોકાણ કરવું હોય તો જાતે જ કરો, કોઇ થર્ડ પાર્ટી એપ દ્વારા કે વ્યક્તિ મારફતે નહીં.

જો કોઇ વૉટ્સએપ ગ્રૂપ અને ટેલિગ્રામ ચેનલમાં જોડાયેલા હોવ તો તેમાં અપાતી સલાહને આંખ બંધ કરીને માની ના લો. 

તેના વિશે થોડું રિસર્ચ કરો અને પોતાનું મગજ પણ વાપરો
વધુ નવું વધુ જૂનું