જસદણ અને વીંછિયા માં બે કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરાશે, દેવધરીમાં સીસીબ્લોકના કામનું ખાતમુહૂર્ત
જસદણ અને વીંછિયા પંથકમાં આગામી સમયમાં બે કરોડથી વધુના ખર્ચે વિકાસ કાર્યો હાથ ધરવામાં આવનાર હોવાની જાહેરાત જળસંપત્તિમંત્રી કુંવરજી બાવળિયાએ કરી હતી.
અને સાથે જણાવ્યું હતું કે જસદણના આંબરડી ગામ ખાતે અંદાજિત 1 કરોડ 66 લાખના ખર્ચે આંબરડી-કાસકોલીયા રોડ તથા વીંછિયાના દેવધરી ગામ ખાતે અંદાજિત રૂ.2.50 લાખના ખર્ચે સી. સી.બ્લોકના કામોનું ખાતમુહૂર્ત તેમજ રૂ.60 લાખના ખર્ચે આંબરડી ગામમાં નિર્મિત સી.સી.રોડ - સુવિધા પથનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે મંત્રી બાવળીયાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારમાં શહેર જેવી સુવિધાઓનું નિર્માણ થાય તે માટે સરકાર ચિંતા કરી રહી છે.
મંત્રીએ દીકરીઓની કેળવણી પર ભાર મુકતા ઉમેર્યું હતું કે, અગાઉ આ વિસ્તારની દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટે બહારગામ જવું પડતું હતું.
વિસ્તારની અનેક દીકરીઓને બહારગામ અભ્યાસ કરવા ન જઈ શકવાથી તેમનું આગળનું ભણતર અટકયુ હતું.
પરંતુ ગામમાં સરકારી હાઈસ્કૂલ બની અને આજે અનેક દીકરીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધી રહી છે. આ સાથે આગામી સમયમાં પણ પાટીયાળી, મોઢુકા ખાતે સરકારી હાઈસ્કૂલ નિર્માણ પામી રહી છે તેમજ શિવરાજપુર અને કડુકા ખાતે હાઈસ્કૂલની મંજૂરી પણ મેળવી લેવામાં આવી છે.
રસ્તા શહેરો જેવા બને તે માટે દેવધરીથી આંકડીયા ગામ સુધીનો અંદાજે રૂ.2.5 કરોડનો રોડ પણ મંજૂર કરવામાં આવ્યો છે. ગ્રામ વિસ્તારમાં વિકાસ કાર્યો વધુ આગળ ધપે તે માટે પણ ગ્રામજનો વિવિધ યોજનાના લાભો લે તેવી મંત્રીએ અપીલ કરી હતી. વળી, સ્વચ્છતા હી સેવા અંતર્ગત લોકોને સ્વચ્છતા અંગે ગંભીર બની ઘર આંગણે કે ગ્રામ વિસ્તારમાં ગંદકી ન થાય અને લોકોની તંદુરસ્તી સારી રહે તે માટે સ્વચ્છતા અભિયાનમાં જોડાવા આહવાન કર્યું હતું.
લોકોને પીવાનું પાણી પૂરતી માત્રામાં મળે તે માટે જસદણ- વીંછિયા પંથકમાં વ્યક્તિ દીઠ 100 લિટરની માત્રાનું પાણી પહોંચાડી શકે તે માટેની પાઇપલાઇન અને યોજનાઓ મંજૂર કરાઈ છે.
ભવિષ્યની પેઢીને વિકસિત ગામ, સુંદર ગામ મળે તે માટે આગામી દિવસોમાં અન્ય વિવિધ સુવિધાઓનું પણ નિર્માણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે ગોડલાધારનાં સરપંચ અને અગ્રણી અશોક ચાંવ, જસદણના મામલતદાર એમ.ડી.દવે, વીંછિયાના મામલતદાર આર.કે પંચાલ તાલુકા વિકાસ અધિકારી પાર્થરાજસિંહ પરમાર, તાલુકા વિકાસ અધિકારી જસદણ માંડલીયા, માર્ગ મકાન અધિકારી ઝાલા, દેવધરી ,આંબરડી, મોઢુકા, ગઢકાના સરપંચ, ગ્રામ વિસ્તારના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.