અમુક વર્ષો પહેલાં ચોરી કરવા માટે ચોરને ફરજિયાત તમારા ઘર સુધી આવવું પડતું.
જોકે, એ સમય તો ક્યારનો જતો રહ્યો. હવે જ્યારે તમામ વસ્તુ ડિજિટલ થઈ રહી છે તો પછી અપરાધ પણ કેમ બાકાત રહે ?
હવે તો ગઠિયાઓ દુનિયાના કોઈ પણ ખૂણે બેઠાં બેઠાં તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી શકે છે. તે સમયે માત્ર પૈસાની જ કિંમત હતી, અત્યારે પૈસા કરતાં ડેટાની કિંમત વધારે છે.
માટે પૈસાની જેમ ડેટાની સુરક્ષા પણ જરૂરી બની છે.
ડેટામાં શું શું આવે ?
પહેલો સવાલ એ થાય કે ડેટામાં શું શું આવે? જોકે સાચો સવાલ એ છે કે શું શું ન આવે ? તમારું નામ, મોબાઈલ નંબર, જાતિ, એડ્રેસ, જન્મ તારીખ, આધાર નંબર, બેંક ડિટેઇલ, ફોટો, વીડિયો, તમને શું ગમે છે, શું નથી ગમતું, તમારી પાસે ટૂ વ્હીલર છે કે ફોર વ્હીલર, તમારી ભાષા કઇ છે વગેરે બધું જ ડેટામાં આવે છે.
ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના આ જમાનામાં અલગ અલગ વેબસાઇટ અને એપ પાસે તમારો આ ડેટા પહોંચે છે.
જેમાં કેટલીક વસ્તુઓ તમારા હાથમાં નથી, અમુક સર્વિસનો સારી રીતે ઉપયોગ કરવા માટે ડેટા આપવો જ પડે.
જોકે તમારો ફોન નંબર આપવો કે નહીં એ તો તમારા હાથમાં જ છે.
ફોન નંબર આપવાથી શું થાય ?
તમને પણ અનુભવ હશે કે દુકાન, મોલ કે હોટેલમાં જાવ ત્યારે તમારી પાસે મોબાઇલ નંબર માંગવામાં આવે છે. પહેલી નજરે જોતાં આ વાત એકદમ સામાન્ય લાગે છે.
જેના કારણે લગભગ બધાં લોકો તેમનો મોબાઇલ નંબર આપી પણ દે છે.
સમસ્યા અહીંથી જ શરૂ થાય છે.
અત્યારે ડેટા ખરીદનારા વધી રહ્યા છે એટલે સામે ડેટા વેચનારા પણ વધી રહ્યા છે.
તમે જ્યાં ફોન નંબર આપ્યો છે તે તમારો ડેટા નહીં વેચે તેની શું ગેરંટી છે ?
કહેવાનો અર્થ એ નથી કે બધાં જ લોકો આવું કરે છે, પણ કોણ ડેટા વેચે છે અને કોણ નથી વેચતું તેની ખબર કઇ રીતે પડે.
ચાલો માન્યું કે જે તે દુકાન કે મોલના માલિક ફોન નંબર ના વેચતા હોય અને ગ્રાહકોની પ્રાઇવસીની કિંમત સમજતા હોય. પરંતુ ત્યાં કામ કરતા લોકો એક્સ્ટ્રા ઇન્કમ માટે ગ્રાહકોનો ડેટા નહીં વેચે તેની ગેરંટી ખરી ?
ભારતમાં ગ્રાહકોના ફોન નંબરથી લઇને મોટાભાગનો ડેટા આ જ રીતે વેચાય છે.
તમને જાણીને નવાઇ લાગશે કે તમારા ફોન નંબર પાંચ પૈસાથી માંડીને પાંચ રૂપિયા સુધીમાં વેચાઇ રહ્યા છે. જેટલી ડિટેઇલ વધારે તેટલો ભાવ વધારે.
નંબરની સાથે નામ અને એડ્રેસ હોય તો ભાવ વધી જાય. જેમ જેમ ડિટેઇલ વધે તેમ ભાવ વધે.
એટલે જ્યાં ત્યાં મોબાઇલ નંબર આપવાનું બંધ કરવું જોઇએ.
ફોન નંબર લીક થાય તો શું શું થઇ શકે ?
એક વખત તમારો ફોન નંબર માર્કેટમાં ફરતો થઇ ગયો તો તેનો દુરુપયોગ શરૂ થઇ જશે.
શરૂઆત જરૂર વગરના માર્કેટિંગના મેસેજ ફોન વડે થાય છે. ઘણાં લોકોને સવાલ થતો હોય છે કે તેમણે DND એક્ટિવ કરાવેલું છે છતાં તેમને માર્કેટિંગના ફોન અને મેસેજ કેમ આવે છે.
તો તેનો જવાબ છે કે DNDથી માત્ર તમારી ટેલિકોમ કંપનીના ફોન અને મેસેજ બંધ થાય, બધાંના નહીં.
માર્કેટિંગ માટે તમે જાતે જ પોતાનો નંબર આપીને આવો છો.
આ સિવાય જો સાયબર ક્રિમિનલના હાથમાં તમારો ફોન નંબર આવ્યો તો પછી તેનો ઉપયોગ સાયબર ક્રાઇમ માટે થતા કોણ રોકી શકે ?
આધાર કાર્ડ હોય, બેંક એકાઉન્ટ હોય કે પછી સોશિયલ મીડિયા એકાઉન્ટ તમામ સાથે મોબાઇલ નંબર લિંક હોય છે.
એટલે આ તમામ વસ્તુથી હેક થવાનું જોખમ અનેકગણું વધી જાય છે.
ત્યારબાદ ફિશિંગ માટેનો ખતરો પણ વધે છે, જેમાં મેસેજની અંદર લિંક મોકલવામાં આવે છે.
જાણે કે અજાણે ક્લિક કર્યું એટલે બેંક એકાઉન્ટ ખાલી. આ તમામ વસ્તુને ધ્યાનમાં રાખીને ગમે ત્યાં મોબાઇલ નંબર આપવાનું ટાળવું જોઇએ.
જ્યાં જરૂર હોય અને ફોન નંબર આપ્યા વિના ના ચાલે ત્યાં જ આપવો જોઇએ.
સરકાર શું કહે છે ?
2023માં મે મહિનાની અંદર The Ministry of Consumer Affairs એટલે કે ગ્રાહક મંત્રાલય દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી.
જેમાં કહ્યું હતું કે કોઇ પણ દુકાનદાર (મોલ પણ આવી ગયા) ગ્રાહકોને બિલિંગ માટે તેમના મોબાઇલ નંબર આપવા માટે દબાણ ના કરી શકે.
મોબાઇલ નંબર આપ્યા વિના બિલ આપવાની કે સામાન વેચવાની ના પાડે તે ગેરકાયદેસર છે.
જેના માટે તમે ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી શકો છો.
જોકે આવું થતું નથી. 99 ટકા કિસ્સામાં ગ્રાહકો ઉપર મોબાઇલ નંબર આપવા માટે દબાણ ઊભું કરાય છે અને લોકો આપી પણ દે છે.
જે બિલકુલ જરૂરી નથી. આવી રીતે મોબાઇલ નંબર આપવો એ પ્રાઇવસી સાથે આપણે જાતે ચેડાં કર્યા ગણાય!
સો વાતની એક વાત યાદ રાખો કે કોઇ પણ હોટેલ, મોલ કે દુકાનદાર તમારી મરજી વગર તમારો નંબર ના માગી શકે, અને માગે તો આપવો પણ ના જોઇએ.
Tags:
Information