- નાના માત્રામાં વહેતી ભાદર નદીમાં મિત્રો સાથે નહાવા પડ્યા હતા
વીંછિયાના પાંચ દંપતી રજાની મજા માણવા અને નદીમાં ભરપુર પાણી હોઇ નાના માત્રાની ભાદર નદીએ નહાવાની મોજ માણવા પહોંચ્યા હતા અને ભરપુર વહેતી નદી જોઇ કુશળ તરવૈયા અને વ્યવસાયે હોમિયોપેથ તબીબ અન્ય મિત્રોથી માત્ર 50 ફૂટ દુર નહાઇ રહ્યા હતા.
ત્યારે અચાનક પાણીના કળણમાં ફસાયા હતા અને બચાવો..બચાવોની બુમો પાડવા લાગ્યા હતા પરંતુ અન્ય સાથી મિત્રો તેમના સુધી પહોંચે તે પહેલાં તે ડૂબી ગયા હતા.
આખી ઘટનાને નજરે જોનારા અને 5 દંપતી પૈકીના એક વલ્લભભાઇએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે અમે 5 દંપતિ અને 3 બાળકો મળી 13 સભ્ય ભાદર નદીએ ગયા હતા અને જમી પરવારીને નહાવા પડ્યા હતા, એવામાં ડો. ભરત મિસ્ત્રી કે જેમને તરતા આવડતું હતું.
તે બધાથી થોડે દૂર નહાઇ રહ્યા હતા ત્યારે અચાનક ડુબવા લાગતાં તેમણે બુમો તો મારી પરંતુ અમે એમ માન્યું કે ભરત મસ્તી કરે છે કેમકે તેને તો સારી રીતે તરતા આવડે છે.
બાદમાં અમને ગંભીરતા સમજાઇ અને બાકીના મિત્રોએ હાથ આપવાની કોશિશ કરી પરંતુ કારી ફાવી ન હતી. અમે તરત સીપીઆર આપ્યા હતા, બાદમાં વીંછિયા હોસ્પિટલ લઇ જવાયો હતો પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ચૂક્યું હતું. બન્ને બાળકો ઘરે હતા.
ભરત મિસ્ત્રી પત્ની સાથે પીકનિકમાં આવ્યા હતા અને બન્ને બાળકોની શાળા શરૂ હોવાથી કોઇ આવ્યા ન હતા, અને અત્યંત નાની ઉંમરમાં જ પિતાનું છત્ર ગુમાવી દીધું હતું. બાળકોના કરૂણ આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
source = Divyabhaskar