દેશને સ્વચ્છ અને હરિયાળો બનાવવા માટે દેશના વડાપ્રધાન મોદીએ વિવિધ અભિયાન શરૂ કરાવ્યા છે અને લોકોમાં સ્વચ્છતાની આદત વધુ દ્રઢ બનાવવા માટે અનેકવિધ જાગૃતિ સભર કાર્યકમો યોજાઈ રહ્યા છે.
ત્યારે જસદણ નગરપાલિકા દ્વારા ક્લિન ફોર જસદણ મેરેથોન દોડનું આયોજન કરાયું હતું. જેમાં શહેરના જીલેશ્વર પાર્કથી નગરપાલિકા કચેરી સુધીની દોડમાં વિવિધ આગેવાનો તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા અને લોકોને શહેર તેમજ પંથક સ્વચ્છ રાખવા અપીલ કરી હતી.
પાલિકા દ્વારા આયોજિત આ દોડમાં સહભાગી થવા યુવાનોએ ઉત્સાહ બતાવ્યો હતો અને લોકોને શહેર સ્વચ્છતાનું મહત્વ અને સાથે દોડથી જીવનશૈલી કઇ રીતે સ્વસ્થ રહી શકે તેનું મહત્વ સમજાવ્યું હતું.
આજના યુવાનો ફિટનેસ માટે સજાગ બન્યા છે તેમજ સરકાર પણ જનતા માટે સમયાંતરે મેરેથોન દોડ આયોજિત કરી રહી છે. આ મેરેથોનમાં બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ લોકો ભાગ લેતા હોય છે.
ઘણીવાર તો દરરોજ કસરત ન કરનારા લોકો પણ મેરેથોનમાં દોડવા પહોંચી જાય છે. જે તેમના સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખે છે. તાજેતરમાં કરાયેલા એક રિસર્ચમાં સંશોધકોએ જાણ્યું કે, જે લોકો પહેલીવાર મેરેથોન દોડે છે તેમનું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે.
બાર્ટ્સ હેલ્થ NHS ટ્રસ્ટ અને યુનિવર્સિટી કોલેજ લંડન દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર જે લોકો પહેલીવાર મેરેથોન દોડતા હોય અથવા પહેલીવાર મેરેથોનમાં દોડવા જઈ રહ્યા હોય તેમનું બ્લડ પ્રેશર તો સામાન્ય થઈ જ જાય છે પણ ધમનીઓના બાહ્ય સ્તરો સખત થઈ જવાથી બચી જાય છે.
જર્નલ ઓફ અમેરિકન કોલેજ ઓફ કાર્ડિયોલોજીમાં પ્રકાશિત આ અભ્યાસમાં એ વાત પણ બહાર આવી છે કે, જે લોકો ટ્રેનિંગ લે છે અને આ દોડ પૂરી કરે છે તેમની ધમનીની ઉંમર એટલે કે વસ્ક્યુલર એઇજ 4 વર્ષ સુધી ઘટી જાય છે. જેના કારણે તેઓ લાંબા સમય સુધી સ્વસ્થ રહે છે.