આટકોટ : ટ્રસ્ટી અને તેના મિત્રએ વારાફરતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું'તું
આટકોટ છાત્રાલયમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરનાર BJP આગેવાન આરોપી જિલ્લા પંચાયતના સભ્યના પતિ પરેશ રાદડિયાની ધરપકડ
રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલ ડી. બી. પટેલ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મના ગુનામાં વધુ એક ભાજપનો વધુ એક આગેવાન પરેશ રાદડિયા 40 દિવસ બાદ આટકોટ પોલીસ સમક્ષ સામેથી હાજર થયો છે.
જોકે, આ પછી ફરિયાદી પીડિતાના વકીલ દ્વારા પોલીસ તપાસ સામે આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવી નથી રહી અને આરોપીઓને છાવરવામાં આવી રહ્યા છે.
દુષ્કર્મ જેવી ગંભીર ઘટનામાં આરોપીને પોલીસ પકડી શકી નથી, આરોપીઓ સામે ચાલીને હાજર થાય છે. હાજર થયા પછી લોકઅપમાં રાખવાના બદલે લોકઅપ બહાર રાખવામાં આવે છે. પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે એવી મારી સ્પષ્ટ માંગ છે
પોલીસે ભાજપના જ બે આગેવાન સામે ગુનો નોંધાવ્યો હતો
રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે આવેલી ડી.બી.પટેલ કન્યા છાત્રાલયમાં અભ્યાસ કરી ચૂકેલી વિદ્યાર્થીનીને ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રેક્ટરે પ્રેમજાળમાં ફસાવી શૈક્ષણિક ધામમાં જ દુષ્કર્મ આચર્યા બાદ ટ્રસ્ટીને જાણ થતાં આવાં કૃત્ય અટકાવવાને બદલે વિદ્યાર્થિની પર તેણે પણ કુકર્મ આચર્યાની જિલ્લા પોલીસવડા સમક્ષ અરજી થતાં પોલીસે ભાજપના જ બે આગેવાન સામે ગુનો નોંધાવ્યો હતો.
ગુનો નોંધાતા જ બંને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા અને બંને આરોપીઓએ રાજકોટ સેશન્સ કોર્ટ આગોતરા જામીન અરજી મૂકી હતી. આ દરમિયાન આરોપીઓ પર દબાણ વધતા થોડા દિવસ પહેલા આરોપી મધુ ટાઢાણી રાજકોટ ગ્રામ્ય LCB સમક્ષ હાજર થતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાટ ધરી હતી.
જયારે ફરાર અન્ય એક આરોપી રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનો પતિ પરેશ રાદડિયા આટકોટ પોલીસ સમક્ષ હાજર થયો છે.
કોર્ટે આરોપીઓની આગોતરા જામીન અરજી ફગાવી દીધી
શિક્ષણ જગતને લાંછનરૂપ ઘટનામાં ભાજપના બે આગેવાનો સામે દુષ્કર્મનો ગુનો નોંધાતાની સાથે જ બન્ને આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેથી તેને શોધવા માટે રાજકોટ જિલ્લા પોલીસ વડા દ્વારા દ્વારા પોલીસની ત્રણ ટીમો બનાવવામાં આવી હતી.
ફરિયાદ નોંધાયાના બીજા દિવસે જ આરોપીઓએ આગોતરા જામીન અરજી રાજકોટ સેશન્સ કોર્ટમાં મૂકી હતી,
જે કોર્ટે ફગાવી દીધી હતી. જોકે, એ પહેલા આરોપીઓ ઉપર દબાણ વધતા મોડી રાત્રે બે આરોપીઓ પૈકી એક આરોપી મધુ ટાઢાણી રાજકોટ ગ્રામ્ય LCB સમક્ષ હાજર થઇ જતા પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભાજપ આગેવાન મધુ ટાઢાણીની મોડી રાત્રે ધરપકડ કરી
રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ દ્વારા દુષ્કર્મ કેસમાં પાંચવડા ગામના પૂર્વ સરપંચ અને ભાજપ આગેવાન મધુ ટાઢાણીની મોડી રાત્રે ધરપકડ કરી આરોપીની પુછપરછ કરતા ફરિયાદ નોંધાઈ ત્યારથી લગભગ એક સપ્તાહ જેટલો સમય મધુ ટાઢાણી ગુજરાત બહાર અન્ય રાજ્યોમાં નાસ્તો ફરતો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ આપી હતી.
જોકે, આ કેસમાં સંડોવાયેલ બીજો ફરાર આરોપી રાજકોટ જિલ્લા પંચાયતના સભ્યનો પતિ પરેશ રાદડીયા 40 દિવસ પછી આજે આટકોટ પોલીસ સમક્ષ હાજર થતા પોલીસે તેની ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માગ
ફરિયાદી પીડિતાના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું હતું કે, આટકોટ પોલીસને આરોપીઓને પકડતા આવડતું નથી. અગાઉ આરોપી મધુ અને આજે પરેશ રાદડિયા આટકોટ પોલીસ સમક્ષ હાજર થયો છે.
પીઆઇ રાઠોડ તપાસનીશ અધિકારી છે પરંતુ અંદર જમાદાર તેની તપાસ કરતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. પરેશ રાદડિયાએ સરન્ડર કર્યું છે તો તેને લોકપમાં રાખવો જોઈએ પરંતુ તે લોકપમાં નથી.
મેં અંદર જઇને જોયું પુરુષનું લોકઅપ જ ખાલી છે. એ અંદર બેઠો છે અને એની સાથે અન્ય લોકો પણ છે. આ આરોપીને પ્રોટેક્ટ કરવામાં આવી રહ્યું હોવાનો સ્પષ્ટ આક્ષેપ છે.
આટકોટ પોલીસ રેપના આરોપીઓને પકડતી નથી. આરોપીઓ સરેન્ડર થાય છે, સરેન્ડર થયા પછી તેને લોકઅપમાં રાખવામાં આવતા નથી, સ્પેશિયલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે.
પોલીસ અધિકારીઓ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી મારી સ્પષ્ટ માંગ છે.
વિદ્યાર્થિનીને ધમકી આપીને ફસાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી
સમગ્ર સૌરાષ્ટ્રમાં અને શિક્ષણજગતમાં ચકચાર મચાવતી આ ઘટના અંગેની પોલીસ સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના આટકોટ નજીક આવેલા ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જસદણના પાચવડા ગામના ભાજપના આગેવાન મધુભાઈ ટાઢાણી અને ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ભાજપના આગેવાન પરેશ રાદડિયાનું નામ આપ્યું છે.
પીડિતાએ જણાવ્યું હતું કે, તેણે 5 વર્ષ પહેલાં ડી.બી. પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની પ્રતીક્ષા વિદ્યા સંકુલમાં એડમિશન લીધું હતું અને ત્યારથી કન્યા છાત્રાલયમાં રહી અભ્યાસ કરતી હતી. એડમિશન લીધા બાદ વિદ્યાર્થિનીને 2021માં ભાજપના આગેવાન અને કલરકામના કોન્ટ્રેક્ટર મધુભાઈ ટાઢાણી સાથે પરિચય થયો હતો.
ત્યારબાદ આરોપી દ્વારા ટોર્ચરિંગ શરૂ કરી અવારનવાર વિદ્યાર્થિનીની છેડતી કરવામાં આવતી હતી. બદનામ કરી દઈશ અને પરિવારને જીવતા નહીં રહેવા દઉં, એવી ધમકી આપી વિદ્યાર્થિનીને ફસાવી હતી.
પરિવારજનોને બનાવની જાણ થતાં રુબરુ રજૂઆત કરી
જૂલાઈ 2023માં આરોપી મધુ ટાઢાણીએ કન્યા છાત્રાલયનો કલરકામનો કોન્ટ્રેક્ટ રાખ્યો હતો અને કલરકામ કરવાના બહાને અવારનવાર વિદ્યાર્થિનીના રૂમમાં જઈ તેની મરજી વિરુદ્ધ તેની સાથે શરીરસંબંધ બાંધતો હતો.
આ બનાવની ટ્રસ્ટી પરેશ રાદડિયાને જાણ થતાં ભાજપના આગેવાન સામે કાર્યવાહી કરવાના બદલે તેની પણ દાઢ ડળકી હતી અને તેણે પણ વિદ્યાર્થિનીને પોતાના હવસનો શિકાર બનાવી હતી. છેલ્લા એક વર્ષથી ભાજપના બે આગેવાનની શિકાર બનેલી વિદ્યાર્થિની પર અવારનવાર બંને શખસ દુષ્કર્મ આચરતા હતા.
મૂંગા મોઢે સહન કરતી વિદ્યાર્થિની એકદમ ડરી ગઈ હતી અને પરિવારજનોને આ બનાવની જાણ થતાં જિલ્લા પોલીસવડાને અરજી કરી રૂબરૂ રજૂઆત કરી હતી. ચકચારી આ ઘટના અંગે જિલ્લા પોલીસવડા સમક્ષ રજૂઆત થતાં અંતે આટકોટ પોલીસે ભાજપના આગેવાન મધુ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે દુષ્કર્મ-છેડતી અને ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
Source: Divyabhashkar