WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ:સાત દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી; આજે સુરત, નવસારી, વલસાડમાં મેઘમંડાણના એંધાણ

ગુજરાતમાં હાલમાં તાપમાનનો પારો 30 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ નોંધાઈ રહ્યો છે. તેમાં પણ કેટલાક જિલ્લાઓમાં તો મહત્તમ તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસ કરતા પણ ઊંચો જઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા હજુ એક વરસાદી રાઉન્ડની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. 
આજથી (22 સપ્ટેમ્બર) આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં વિવિધ ભાગોમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 

આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે ગુજરાત પરથી 15થી 20 સપ્ટેમ્બર દરમિયાન ચોમાસું વિધિવત રીતે પૂર્ણ થવાની શરૂઆત થઈ જતી હોય છે. પરંતુ આ વર્ષે લા નીનાની અસરને પગલે ચોમાસુ લાંબુ ખેંચાઈ શકે છે. 

તેવામાં હજુ પણ એક અને અંતિમ વરસાદી રાઉન્ડ બાકી છે, જેની શરૂઆત આજથી થઈ શકે છે.

બંગાળની ખાડીમાં સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું
હવામાન વિભાગ દ્વારા 22 સપ્ટેમ્બરથી આગામી સાત દિવસ દરમિયાન એટલે કે, 28 સપ્ટેમ્બર સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. કારણ કે, આવતીકાલથી બંગાળની ખાડી ઉપર જે સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે, 

તેની અસર વર્તવાની શરૂઆત થશે. તેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આવતીકાલથી હળવા વરસાદી ઝાપટાની શક્યતાઓ છે. જ્યારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાઓ સંપૂર્ણપણે છે. 

આ વરસાદ નવરાત્રિની શરૂઆતના દિવસોમાં વિઘ્ન બની શકે છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજ્યનું મહત્તમ તાપમાન મુખ્યત્વે સામાન્ય રહ્યું છે, તેમ છતાં અમદાવાદ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાઈ રહ્યું છે. જે હજુ પણ આગામી 24 કલાક યથાવત્ રહેવાની શક્યતાઓ છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર, આજથી સાત દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ થઈ શકે છે. 

કારણ કે, દક્ષિણ ગુજરાત ઉપર લોવર લેવલ ઉપર વિન્ડ કન્વર્ઝન થશે, જેને કારણે વરસાદની માત્રા વધુ પ્રમાણમાં રહેશે. હાલમાં ગુજરાત ઉપર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફુકાઈ રહ્યા છે, જેને કારણે હાલમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનું પ્રમાણ ઓછું રહ્યું હતું. 

જ્યારે ગત 24 કલાક દરમિયાન રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લામાં સૌથી વધુ પાંચ સેન્ટિમીટર વરસાદ નોંધાયો છે.

વધુ એક રાઉન્ડથી વરસાદની ટકાવારીમાં વઘારો થશે
અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન મહત્તમ તાપમાન 35.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.4 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું હતું. 

જ્યારે આ સિવાય પણ રાજકોટ, ભુજ સહિતના વિવિધ જિલ્લાઓમાં 35 ડિગ્રી સેલ્સિયસ કરતા વધુ મહત્તમ તાપમાન નોંધાવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી 24 કલાક દરમિયાન અમદાવાદ શહેરમાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહેશે. 

તે સાથે જ છુટાછવાયા વાદળો જોવા મળી શકે છે, જેને કારણે થોડા અંશે બફારો પણ અનુભવાય શકે છે. અત્યાર સુધીમાં 1 જૂનથી લઈને 22 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાં સામાન્ય કરતાં 42 ટકા વધુ વરસાદ નોંધાયો છે. 

હજુ પણ વરસાદનો એક રાઉન્ડ બાકી છે, તેથી આ ટકાવારીમાં વધારો પણ થવાની શક્યતાઓ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો