WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

રાજકોટની 10 હોટેલને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી

રાજકોટ શહેરની અલગ અલગ 10 હોટેલ પર શનિવારે બપોરે 12.45 વાગ્યે ધમકી ભર્યો ઈ-મેલ થયો હતો. તમામ દશ હોટેલને બોમ્બથી ફૂંકી મારવાની ધમકી આપવામાં આવી હતી. 1 વાગ્યે જાણ કરાતા પોલીસના ધાડા હોટેલો પર ઉતરી ગયા હતા અને સાંજના 6 વાગ્યા સુધી તપાસ ચાલી હતી, પરંતુ સદનસીબે કંઇ વાંધાજનક મળ્યું નહોતું.
10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના મેઇલ મળ્યા બાદ હોટેલમાં ઉતરેલા તમામ મુસાફરોના નામ સરનામા ચેક કરવામાં આવ્યા હતા. કેટલાક શકમંદોની ઊંડાણથી તપાસ થઇ હતી. સાંજના 6 વાગ્યા સુધી તપાસનો દોર હોટેલ પર ચાલ્યો હતો પરંતુ દશમાંથી એક પણ હોટેલમાં કંઇ વાંધાજનક નહીં મળતાં પોલીસે રાહતનો દમ લીધો હતો. ધમકી ભર્યો ઈ-મેલ ક્યાંથી આવ્યો હતો, કોણે કર્યો હતો તે સહિતના મુદ્દે ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસે તપાસ શરૂ કરી હતી.

હેક થયેલા ઈ-મેલને એલિમિનેડેટ કહેવાય, આવા એડ્રેસ જથ્થાબંધના ભાવે ડાર્ક વેબમાં વેચાય છે, રિવર્સ એન્જિનિયરિંગથી આવા ઈ-મેલ કરનારને ટ્રેક કરી શકાય છે
જ્યારે પણ કોઈનું ઈ-મેલ એડ્રેસ હેક થઈ જાય છે ત્યારે તે વ્યક્તિ જે તે ઓથોરિટીને જાણ કરે એટલે તેનું ઈ-મેલ એડ્રેસ અલગથી લિસ્ટમાં મુકાઈ જાય છે જેને એલિમિનેટેડ મેલ કહેવાય છે. આ લિસ્ટનો ઉદ્દેશ્ય એવો હોય છે કે, આ ઈ-મેલથી જો કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિ થાય તો તેને બનાવનારા પર ખોટી કાર્યવાહી ન થાય. આવા ઈ-મેલ બનાવીને ડાર્ક વેબ પર જથ્થાબંધ રીતે વેચાતા હોય છે. હોટેલને ઈ-મેલ મોકલનાર સુધી પહોંચવા માટે રિવર્સ એન્જિનિયરિંગ કરવું પડશે.

આ ઈ-મેલ એડ્રેસ માટે સર્વિસ પ્રોવાઈડર આઉટલૂકને જાણ કરવી પડે. ક્યારે ઈ-મેલનો ઉપયોગ થયો તેમજ આઈપી એડ્રેસ અને ઈ-મેલ એડ્રેસ બન્યું ત્યાં સુધીની વિગત મળી જાય છે. આ વિગતોમાં સૌથી મહત્ત્વનું આઈ.પી. એડ્રેસ હોય છે. આઈ.પી. એડ્રેસ મળી જાય એટલે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કંપની પાસેથી ઉપરોક્ત ઈ-મેલ એડ્રેસ કઈ ડિવાઈસ કે પછી ક્યા ગ્રાહકને અપાયું હતું તેમજ ક્યા સમયે ઉપયોગ થયો હતો તે માહિતી મળે છે. જો મોબાઈલ ડેટા હોય તો ટાવર લોકેશન તેમજ સ્માર્ટફોનની વિગત અન્ય ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર હોય તો તે કનેક્શનનું સરનામું મળે છે. જેના આધારે પોલીસ આવા કૃત્ય કરનારા સુધી પહોંચી શકે છે.

અહીં સૌથી મોટો પ્રશ્ન એ થાય કે આવા મેલ શા માટે કરવામાં આવે છે? ઘણા કિસ્સામાં લોકોના ધંધા-રોજગારને અસર કરવા કે બંધ કરવા માટે આવું કરાતું હોય છે. આ સિવાય સામાન્ય રીતે પોતે કોઈ ખાસ વ્યક્તિ છે અને લોકોને હેરાન પરેશાન કરી શકે છે તેવો અહંકાર સંતોષવા માટે, લોકોને હેરાન કરીને વિકૃત આનંદ મેળવવા માટે કરાતા હોય છે.

એરપોર્ટને ભેદી ઈ-મેલ કરનારને વડોદરા પોલીસે પકડી લીધો હોવા છતાં 21 દિવસ બાદ પણ રાજકોટ પોલીસે કોઇ કાર્યવાહી ન કરી
રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગત તા.5 ઓક્ટોબરના એક ઈ-મેલ આવ્યો હતો. તેમાં અસ્પષ્ટ લખાણ હતું, ધમકીભર્યો ઈ-મેલ હોવાના તારણ પર તત્કાલીન સમયે રાજકોટ પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડની ટીમે તપાસ કરી ત્યારે વાંધાજનક મળ્યું નહોતું. 21 દિવસ વીતી ગયા છે છતાં આજ દિવસ સુધી પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી. આશ્ચર્યની વાત તો એ છે કે, એ ઈ-મેલ કરનારને વડોદરા પોલીસે પકડી લીધો હોવાની રાજકોટ પોલીસને જાણ છે છતાં તેની સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. એરપોર્ટના અધિકારીએ ફરિયાદ નહીં કરી હોવાથી કોઇ કાર્યવાહી નહીં કર્યાનો પોલીસ અધિકારીએ આશ્ચર્યજનક જવાબ આપ્યો હતો.

આખા શહેરની પોલીસને દોડતી કરાઇ અને 10 હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી છતાં કોઇ જ ગુનો ન નોંધાયો
રાજકોટની દશ દશ હોટેલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીની વાત વાયુવેગે શહેરમાં ફેલાઇ ગઇ હતી. પોલીસે બપોરના 1 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી હોટેલોમાં તપાસ કરી હતી. હોટેલના ઉતારૂઅોને પણ તપાસવામાં આવ્યા હતા. એક તબક્કે ભયનું વાતાવરણ સર્જાઇ ગયું હતું. સાંજે 6 વાગ્યે તપાસ પૂર્ણ થયા બાદ દિવ્ય ભાસ્કરે ડીસીપી ક્રાઇમ ડો.પાર્થરાજસિંહનો સંપર્ક કર્યો હતો અને ધમકી આપનાર સામે ગુનો નોંધાયો છે કે કેમ તે અંગે પૂછતાં ડીસીપી ગોહિલે કહ્યું હતું કે, ધમકી ભર્યો ઈ-મેલ ક્યાંથી અાવ્યો હતો, તે સહિતના મુદ્દે તપાસ ચાલી રહી છે. જોકે હજુ સુધી એકપણ હોટેલના સંચાલકે આ મુદ્દે ફરિયાદ નોંધાવી ન હોવાથી ગુનો નોંધાયો નથી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો