વીંછિયા તાલુકાના રેવાણીયામાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા અને તેની ઉપયોગિતા સમજાવવા ખાસ તાલીમ યોજાઇ હતી જેમાં 40થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી વાકેફ થયા હતા અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ન કરવા સંકલ્પબધ્ધ થયા હતા. આ તકે વિકાસ સપ્તાહ અંતર્ગત ખેતી તજજ્ઞોએ ખેડૂતોને ડેમોન્સ્ટ્રેશન કરી આવી ખેતીના ફાયદા સમજાવ્યા હતા.
રાજ્યવ્યાપી "વિકાસ સપ્તાહ’ અભિયાન અંતર્ગત વીંછિયા તાલુકાના રેવાણીયા ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ તાલીમ અન્વયે મોડલ ફાર્મની મુલાકાત લેવામાં આવી હતી. વિકાસ સપ્તાહ અંતર્ગત વિવિધ કચેરીઓ દ્વારા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતીથી વાકેફ થાય અને પ્રાકૃતિક ખેતી કરતા થાય તે હેતુથી પ્રાકૃતિક કૃષિ તાલીમ અને મોડલ મુલાકાત અંતર્ગત કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
વીંછિયા તાલુકાના રેવાણીયા ગામે 43 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી હતી. આ ઉપરાંત ખેડૂતોએ મોડલ ફાર્મની પણ મુલાકાત લઇ આ અંગેની વધુ જાણકારી ખેત નિષ્ણાતો પાસેથી મેળવી હતી. નોંધનીય છે કે રાસાયણિક ખાતરથી પાકનેે થતા નુકસાનથી અવગત થઇ ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળે તે ઉચિત છે.