વીંછિયા પંથકના સીઆઇસીમાં અત્યાર સુધીમાં કોઇ આઇસીયુ એમ્બ્યુલન્સ ન હતી. આથી આ સવલત આપવા લાંબા સમયથી માગણી ઉઠી રહી હતી અને તે હવે પૂર્ણ થવા પામી છે.
વીંછિયા સીઆઇસીને આઇસીયુ એમ્બ્યુલન્સ સાંસદ મોકરિયાની ગ્રાન્ટમાંથી વસાવવામાં આવી હતી અને તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આમેય ગ્રામ્ય પંથકમાં દર્દીઓને ગંભીર હાલતમાં અન્યત્ર રીફર કરવા પડે ત્યારે આવી અદ્યતન સુવિધા ન હોવાથી ભારે પરેશાની ભોગવવી પડતી હતી અને ક્યારેક જીવ બચાવવો મુશ્કેલ બની જાય તેવી સ્થિતિ નિર્માણ પામતી હતી. આથી આ અસુવિધાને ધ્યાને લઇ વીંછિયા સીઆઇસીને આઇસીયુ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે.
પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વીંછિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવી આઇ.સી.યુ. એમ્બ્યુલન્સ નગરિકોના આરોગ્યની સુખાકારી માટે ખુલ્લી મૂકી હતી.
રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયાની ગ્રાન્ટમાંથી વીંછિયા ખાતે આવેલ શ્રીમતી રાજેશ્રીબેન વિપુલભાઈ પટેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવી આઇ.સી.યુ. એમબ્યુલન્સને લીલીઝંડી આપી લોકોના આરોગ્યની સુખાકારી માટે ખુલ્લી મુકવામાં આવી હતી. મંત્રીની સાથે સાંસદ રામભાઈ મોકરીયા પણ આ તકે સાથે જોડાઈ એમ્બ્યુલન્સને લીલીઝંડી આપી હતી.