જસદણના શિવરાજપુરમાં પરિણિતા હિરલ સરીયાના આપઘાત કેસમાં પતિ અને સસરા સામે ગુનો નોંધાયો છે. પતિ કિશન અને સસરા મનસુખભાઈના ત્રાસથી હિરલે લગ્નના 11 મહિના બાદ ઝેરી દવા પી જીંદગી ટૂંકાવી લીધી હતી.
ફરિયાદી હરજીભાઈ તળશીભાઈ રોજાસરા (ઉ.વ.52, રહે.ફુલઝર ગામ વિંછીયા)એ જણાવ્યું હતું કે, હું ખેતીકામ કરું છું. મારે સંતાનમાં એક દીકરો તથા ચાર દીકરીઓ છે. મારી દીકરી હીરલના લગ્ન શિવરાજપુર ગામે મનસુખભાઈ બચુભાઇ સરીયાના દીકરા કિશન સાથે 11 મહીના પહેલા થયેલા. લગ્નના ત્રણ મહીના પછી મારી દીકરી અમારા ઘરે આટો દેવા આવેલ ત્યારે તેણીએ અમને કહેલું કે, કિશન મારી સાથે અવાર નવાર માથાકુટ કરે છે.
માનસિક દુખ ત્રાસ આપે છે. ફરી વેવાઈ અને જમાઈ દીકરીને સાસરે તેડી ગયા હતા. આ દરમિયાન મારા ભાઈ મોહનભાઈનું અવસાન થયેલ. ત્યારે મારી દીકરી હિરલ તથા જમાઈ કિશન બંને લોકાઇના કામે આવેલ. ત્યારે જમાઈ મારી દીકરીને મુકી ને જતા રહેલ. ત્યારે મારી દીકરીએ કહ્યું કે, તમારા જમાઇ કિશન તથા મારા સસરા મનસુખભાઈ એમ બંને માનસિક દુ:ખ ત્રાસ આપે છે.
વધુમાં હરજીભાઇએ કહ્યું હતું કે, ફરી મારી દીકરીને સાસરે તેડી ગયા બાદ તા.18/10/2024 ના રોજ વહેલી સવારે અમને જાણ કરવામાં આવી કે, હિરલે તેના સાસરે ઝેરી દવા પી લીધી છે. તેને જસદણની રામાણી હોસ્પિટલમાં દાખલ કરાઈ છે. અમે હોસ્પિટલે પહોંચ્યા બાદ સારવારમાં હિરલનું મોત થયું હતું. રાજકોટ ફોરેન્સિક પીએમ થયા પછી શિવરાજપુર ખાતે અંતિમવિધિ કરાઈ હતી.
જસદણ પોલીસે હરજીભાઇની ફરિયાદના આધારે કિશન સરીયા અને મનસુખ સરીયા સામે મરવા મજબૂર કર્યાનો ગુનો દાખલ કરી ધરપકડની તજવીજ હાથ ધરી છે.