WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

ધ્યાન રાખજો, ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરવો મોંઘો ના પડે

બચત ઘણાં પ્રકારની હોય છે. કોઇ પૈસાની બચત કરે, કોઇ સમયની બચત કરે તો કોઇ પાણીની બચત કરે છે. જોકે, બધી બચત જૂની થઇ ગઇ છે. અત્યારે તો લોકો ડેટા (ઇન્ટરનેટ)ની બચત કરે છે. દરરોજ રાત્રે 12 વાગ્યે મળતો 1 GB, 1.5 GB કે પછી 2 GB ડેટા 24 કલાક ચાલે તે માટે સાચવીને તેનો ઉપયોગ કરતા હોય છે. તેમાંય ફ્રી વાઇફાઇ મળી જોય તો ભયો ભયો! બીજી જ મિનિટે ફોન વાઇફાઇ સાથે કનેક્ટ કરી દીધો હોય. જો તમે પણ આવું કરતા હોય તો ધ્યાન રાખજો, ફ્રી વાઇફાઇનો ઉપયોગ કરવો ક્યાંક મોંઘો ના પડે!
વિચારો કે તમે કોઇ મોલમાં ગયા છો, જ્યાં ફ્રી પબ્લિક વાઇફાઇ છે. તમે તમારો ફોન વાઇફાઇ સાથે કનેક્ટ કરો છો. મોલમાં કોઇ દુકાન પરથી ખરીદી બાદ UPI એપ વડે પેમેન્ટ કરો છો. મોલમાંથી ઘરે પહોંચો છો ત્યાં સુધીમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી થઇ જાય છે. તમે ઘાંઘા થઇ જશો અને પહેલો વિચાર આવશે કે મોલમાં પેમેન્ટ કર્યું ત્યાં કંઇક ગરબડ થઇ હશે. તમારી ધારણા સાચી છે, પરંતુ જે દુકાનમાં પેમેન્ટ કર્યું તેણે ગરબડ નથી કરી. ગરબડ તો વાઇફાઇ કરી ગયું.

વાઇફાઇ હેકિંગ/DNS હેકિંગ

તમારી સાથે ફ્રોડ થયું તેને DNS Hijacking અથવા તો DNS Redirection કહેવામાં આવે છે, જેમાં સાયબર ગઠિયાઓ મોલ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, હોટેલ વગેરે જેવી જગ્યા પર લાગેલા પબ્લિક વાઇફાઇને હેક કરે છે. ત્યારબાદ જે લોકો તે વાઇફાઇનો ઉપયોગ કરતા હોય તેમની સાથે ફ્રોડ કરે છે. અત્યારે કોઇ પણ પબ્લિક વાઇફાઇને હેક કરવું અઘરું નથી, કારણ કે તેની સિક્યુરિટી પ્રમાણમાં ઓછી હોય છે. સાયબર ગઠિયાએ કે હેકર્સ વાઇફાઇને હેક કરીને DNS સેટિંગ બદલી નાંખે છે, જેને આપણે DNS હેકિંગ કહી શકીએ.

DNS એટલે શું ?

DNS એટલે Domain Name System. ઇન્ટરનેટ પર રહેલી દરેક વેબસાઇટનું એક યુનિક IP એડ્રેસ હોય છે. આ IP એડ્રેસ જ તે વેબસાઇટનું સરનામું છે. ઉદાહરણ તરીકે www.example.com હોય તો તેનું IP 192.168.1.1 હશે. આવી રીતે દરેક વેબસાઇટનાં IP એડ્રેસ યાદ રાખવા અશક્ય છે. એટલે કઇ વેબસાઇટનું IP એડ્રેસ કયું છે તેની જાણકારી DNS પાસે હોય છે. જ્યારે આપણે બ્રાઉઝરમાં કોઇ વેબસાઇટનું નામ ટાઇપ કરીએ છીએ એટલે તરત જ DNS તેને IP એડ્રેસમાં કન્વર્ટ કરી નાંખે છે, જેથી આપણે યોગ્ય એડ્રેસ સુધી પહોંચી શકીએ છીએ. આ બધી પ્રોસેસ સુપર ફાસ્ટ હોય છે.

DNS હેક કરવાથી શું થાય ?
તમે કોઇ અજાણ્યા શહેરમાં ગયા છો. તમારે રેલ્વે સ્ટેશન જવું છે પણ રસ્તો ખબર નથી. ત્યાં બાજુમાં ઊભેલા વ્યક્તિને તમે સ્ટેશન જવા માટેનો રસ્તો પૂછો છો. જોકે તે વ્યક્તિ જાણીજોઇને તમને હેરાન કરવા માટે રેલ્વે સ્ટેશનની જગ્યાએ બસ સ્ટેશનનો રસ્તો બતાવી દે છે. DNS હેક કર્યા બાદ સાયબર ગઠિયાઓ પણ આવું જ કરે છે.

દરેક વાઇફાઇને પોતાના DNS સેટિંગ હોય છે. જેના આધારે તે DNS સર્વરને ડોમેઇન નેમને IP એડ્રેસમાં કન્વર્ટ કરવાની રિક્વેસ્ટ મોકલે છે. હવે હેકર્સ પહેલાં વાઇફાઇ હેક કરે છે અને પછી તેના DNS સેટિંગ સાથે છેડછાડ કરે છે. હવે જ્યારે તમે કોઇ વેબસાઇટ ટાઇપ કરશો તો DNS તમને સાચી જગ્યાએ લઇ જવાના બદલે ખોટી વેબસાઇટ પર લઇ જશે, જે તમને સાચી લાગશે અથવા વાઈરસ અને માલવેરથી ભરેલા વેબપેજ પર લઇ જશે. જે ખુલ્યા બાદ તમે કંઇ સમજો કે બેક જશો ત્યાં સુધીમાં ફોન કે કમ્પ્યુટરમાં વાઈરસ આવી ગયા હશે.

જે ફેક વેબસાઇટ બનેલી હોય છે તેનું કામ જ તમારો ડેટા ચોરી કરવાનું હોય છે. તમારો પર્સનલ અને બેન્કિંગ સહિતનો ડેટા ઉડનછૂ થઇ જશે. તેમાંય જો તમે કોઇ બેંકની વેબસાઇટ કે એપ ખોલી તો સાયબર ગઠિયાઓ તરત તમારું લોગઇન આઇડી અને પાસવર્ડ ચોરી લેશે. ઘણી વખત વાઇફાઇ સાથે કનેક્ટ થયા બાદ તમારા ફોનમાં કોઇક રીતે માલવેર મોકલી દેશે, જેથી પેમેન્ટ એપનો એક્સેસ તેમને મળી જશે. બસ પછી તો જ્યારે એકાઉન્ટ ખાલી થાયાનો મેસેજ આવશે ત્યારે ખબર પડશે!

બચવા માટે શું કરવું ?

હેકિંગની પદ્ધતિ કદાચ તમને થોડી અઘરી લાગી હશે પરંતુ તેનાથી બચવાનો ઉપાય એકદમ સરળ છે. બને ત્યાં સુધી પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરવાથી બચો. જો પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરવો હોય તો તેના વડે ક્યારેય પેમેન્ટ ના કરો, બેંકની વેબસાઇટ ના ખોલો, ક્યાંય લોગઇન ના કરો. કેપિટલ અને બોલ્ડમાં NO. એવું નથી કે પબ્લિક વાઇફાઇ વાપરશો એટલે તરત સ્કેમ થઇ જશે કે બધી જગ્યાએ આવું જ થાય છે. આવી ઘટનાઓ તો ગણતરીના લોકો સાથે જ બનતી હોય છે, પણ ગુજરાતીમાં એક કહેવત છે કે ચેતતો નર સદા સુખી. એ અમુક લોકોમાં આપણો વારો ના આવે તેની શું ગેરંટી ?

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો