19 વર્ષીય યુવતીનો આપઘાત, કારણ અકબંધ:પોતાના જ ઘરમાં દોરડા વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરતાં ચકચાર; ગઢડા પોલીસે તપાસમાં હાથ ધરી
બોટાદના ગઢડા તાલુકામાં 19 વર્ષની એક યુવતીએ પોતાના જ ઘરે ફાંસો ખાઈને આપધાત કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગઢડા હોસ્પિટલ ખસેડ્યો હતો.
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના એક ગામે રહેતી 19 વર્ષની યુવતીએ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. યુવતી પોતાના ઘરે એકલી હોય, જે દરમિયાન દોરડા વડે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી યુવતીને સારવાર માટે ગઢડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી, પરંતુ ફરજ પરના ડૉક્ટરે તપાસ કરતાં યુવતીને મૃત જાહેર કરી હતી.
સમગ્ર બનાવને લઈને પોલીસને જાણ કરાતાં ગઢડા પોલીસ રેફરલ હોસ્પિટલ પહોંચી અને તપાસ કરતાં આ યુવતી ગઢડાના એક ગામની હોવાનું સામે આવ્યું છે. આ યુવતીના લગ્ન 15 ડિસેમ્બરે થવાના હતા, યુવતીએ ક્યાં કારણોસર ફાંસો ખાઈને આપધાત કર્યો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.