કેન્દ્રીય કેબિનેટે સોમવારે PAN કાર્ડને અપગ્રેડ કરવા માટે PAN 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. PAN (પર્મનન્ટ એકાઉન્ટ નંબર) કાર્ડ હવે QR કોડ સાથે જારી કરવામાં આવશે. હવે આવી સ્થિતિમાં ઘણા બધા સવાલો ઊભા થાય છે,
જેમ કે જૂના કાર્ડ છે તેમને QR કોડ સાથેનું નવું પાન કાર્ડ કેવી રીતે મળશે? શું ફરીથી અરજી કરવી પડશે? એના માટે કોઈ પૈસાની ચુકવણી કરવી પડશે? તો ચાલો... જાણીએ તમારા દરેક સવાલોના સરળ જવાબ....
1. શું તમને નવું પાન કાર્ડ આપવામાં આવશે ?
હા, તમને નવું PAN કાર્ડ મળશે. હાલના પાન કાર્ડધારકોએ કંઈપણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં. તમારું હાલનું PAN કાર્ડ આપોઆપ અપગ્રેડ થઈ જશે.
2. નવા પાન કાર્ડમાં શું સુવિધા મળશે
?
નવા કાર્ડમાં QR કોડ જેવા ફીચર્સ હશે. સરકારનો હેતુ ડિજિટલ ઈન્ડિયા હેઠળ PAN 2.0 પ્રોજેક્ટને લાવવાનો છે. આ સરકારી એજન્સીઓની તમામ ડિજિટલ સિસ્ટમ માટે PANને કોમન આઈડેન્ટિટી કાર્ડ બનાવશે.
3. શું તમારે PAN અપગ્રેડેશન માટે પૈસા ચૂકવવા પડશે ?
ના. PAN અપગ્રેડેશન સુવિધા ફ્રી હશે અને તે તમને સામેથી ડિલિવર કરવામાં આવશે.
4. નવા પાન કાર્ડની શા માટે જરૂર પડી ?
અત્યારસુધી પાનકાર્ડ ઓપરેટ કરવા માટે જે સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવતો હતો એ 15થી 20 વર્ષ જૂનો છે, જેમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. નવી સિસ્ટમ હેઠળ, પાન કાર્ડ સંબંધિત તમામ વ્યવસ્થાઓ ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે, જેથી ફરિયાદોનો સમયસર નિકાલ કરી શકાશે.
5. શું થશે ફાયદો ?
નવી સિસ્ટમનો હેતુ હાલની PAN/TAN 1.0 (TAN= ટેક્સ ડિડક્શન અને કલેક્શન નંબર) ઇકો-સિસ્ટમને અપગ્રેડ કરવાનો, કોર અને નોન-કોર PAN/TAN પ્રવૃત્તિઓ અને PAN વેરિફિકેશન સેવાને એકીકૃત કરવાનો છે. PAN 2.0ના ફાયદાઓ સમજાવતા વૈષ્ણવે કહ્યું, ફરિયાદ નિવારણ સિસ્ટમ અપડેટ કરવામાં આવી રહી છે. ડેટાને સુરક્ષિત કરવા માટે, PAN ડેટા વૉલ્ટ સિસ્ટમ સેટ કરવામાં આવી રહી છે. એક સંકલિત પોર્ટલ હોવાને કારણે અન્ય પોર્ટલની મુલાકાત લેવાની જરૂરિયાત દૂર થઈ જશે.
બેંકિંગ અને નાણાકીય સેવાઓ માટે એક મજબૂત અને સરળ ઈન્ટરફેસ બની જશે. હવે PAN ને આધાર સાથે લિંક કરવાની સાથે અન્ય નાણાકીય ડેટા પણ એકીકૃત કરવામાં આવશે.
78 કરોડ પાન કાર્ડ જારી કરવામાં આવ્યાં છે હાલમાં દેશમાં ફક્ત જૂનાં પાનકાર્ડનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનો ઉપયોગ 1972થી થઈ રહ્યો છે અને ઈન્કમટેક્સની કલમ 139A હેઠળ જારી કરવામાં આવે છે. જો આપણે દેશમાં પાન કાર્ડધારકોની સંખ્યા પર નજર કરીએ તો 78 કરોડથી વધુ પાન જારી કરવામાં આવ્યાં છે, જે 98 ટકા કરદાતા વ્યક્તિઓને આવરી લે છે.
1435 કરોડનો પ્રોજેક્ટ મોદી સરકારના આ પ્રોજેક્ટ પર 1,435 કરોડ રૂપિયાનો નાણાકીય બોજ અંદાજવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે PAN કાર્ડધારકોને તેમનો PAN નંબર બદલવાની જરૂર રહેશે નહીં. નવા PAN 2.0ને હાલની PAN સિસ્ટમમાં સુધારા તરીકે રજૂ કરવામાં આવશે. નવા કાર્ડમાં સ્કેનિંગ સુવિધા માટે QR કોડ હશે અને એ સંપૂર્ણપણે ઓનલાઈન હશે.
PAN કાર્ડ એટલે શું ?
PAN એટલે કે પર્મનન્ટ એકાઉન્ટ નંબર એ 10 અંકનો આલ્ફાન્યૂમેરિક ઓળખ પુરાવો છે જે આવકવેરા વિભાગ દ્વારા જારી કરવામાં આવે છે. પાન નંબર દ્વારા, આવકવેરા વિભાગ કોઈપણ વ્યક્તિના ઓનલાઈન અથવા નાણાકીય વ્યવહારો પર નજર રાખે છે.
10 ડિજિટનો ખાસ નંબર પાનકાર્ડ નંબર એક 10 ડિજિટનો ખાસ નંબર હોય છે. આ નંબરના પ્રથમ 3 નંબર અંગ્રેજીના લેટર્સ હોય છે. આ AAAથી લઇને ZZZ સુધીના કોઈપણ લેટર હોઈ શકે છે. તાજેતરની સિરીઝના હિસાબે એ નક્કી કરવામાં આવે છે. આ નંબર ડિપાર્ટમેન્ટ પોતાના હિસાબે નક્કી કરે છે. પાનકાર્ડ નંબરનો ચોથો ડિજિટ પણ અંગ્રેજીનો એક લેટર જ હોય છે. આ પાનકાર્ડધારકનું સ્ટેટસ દર્શાવે છે, જેમાં
P- એકલ વ્યક્તિ
F- ફર્મ
C- કંપની
A- AOP (એસોસિયેશન ઓફ પર્સન)
T- ટ્રસ્ટ
H- HUF (હિન્દૂ અવિભક્ત કુટુંબ)
B- BOI (બોડી ઓફ ઇન્ડિવિઝ્યુલ)
L- લોકલ
J- આર્ટિફિશિયલ જ્યુડિશિયલ પર્સન
G- ગવર્નમેન્ટ માટે હોય છે