બોટાદ શહેરમાં આવેલી બારોટ શેરીમાં મહાકાળી યુવક મંડળ દ્વારા ભવ્ય તુલસી વિવાહનું આયોજન કરાયું છે. ત્યારે શહેરનાં મસ્તરામ મંદિરેથી ઠાકોરજીની જાન વાજતે ગાજતે બારોટ શેરીમાં પહોંચી હતી.
મોટી સંખ્યામાં શહેરીજનોએ ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.
હિન્દુ ધર્મમાં તુલસી વિવાહ અનેરું મહત્વ ધરાવે છે. ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામ ભગવાનના તુલસી મા સાથે દેવ દિવાળીના દિવસે લગ્ન થયા છે.
જેથી દેવ દિવાળીના દિવસે તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં તુલસી લગ્ન બાદ દરેક લોકો પોતાના દીકરા-દીકરીના લગ્નનો પ્રારંભ કરે છે, કુવારીકાઓ અને પરિણીતાઓ વ્રત કરે છે.
ઠાકોરજીની જાન નિકળે ત્યારે, પૂજા અર્ચના કરીને ઠાકોરજીને શેરડીનો સ્પર્શ કરાવે છે. આમ તુલસી વિવાહની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
બોટાદ શહેરમાં આવેલી બારોટ શેરીમાં મહાકાળી યુવક મંડળ દ્વારા છેલ્લાં 51 વર્ષથી ભવ્ય તુલસી વિવાહનુંઆયોજન કરવામાં આવે છે.
ત્યારે ચાલુ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે. બોટાદના મસ્તરામ મંદિરેથી ઠાકોરજીની વાજતે ગાજતે ભવ્ય જાન નીકળી હતી.
જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા. તો મોટી સંખ્યામાં કુવારીકાઓ અને પરિણીત મહિલાઓ શેરડીનો સ્પર્શ કરવા ઉપસ્થિત થઈ હતી.
તેમજ મન્નત લીધેલા કેટલાક ભક્તો પણ પોતાની માનતાઓ પુરી કરીને ઠાકોરજીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આમ બોટાદમાં ધામધૂમથી તુલસી વિવાહની ઉજવણી કરવામાં આવી હતી.