સાયલા તાલુકાનાં છેવાડાના મોટા સખપર ગામમાં રહેતા અને ખેત મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની 7 વર્ષિય દીકરીનું ગત રવિવારે અપહરણ થયા બાદ હજુ સુધી તેની ભાળ મળી નથી. દરમિયાન બાળકીના પિતાએ કાળી ચૌદસમાં તાંત્રિક વિધિમાં ઉપયોગ કરવા માટે પોતાની પુત્રીનું અપહરણ કરાયાનો આક્ષેપ કર્યો છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ અમૃતલાલ મકવાણાની ધો.2માં અભ્યાસ કરતી 7 વર્ષિય પુત્રી પલ્લવી રવિવારે રાત્રે ઘરે સુઇ ગયા પછી રાત્રે 11 વાગ્યાથી લાપતા બની હતી.
પરિવારજનોએ આજુબાજુના વિસ્તારમાં અને સગાસંબંધીને ત્યાં તપાસ કરી હતી પરંતુ બાળકીની ભાળ મળી નહતી. આ બાબતે પરિવારજનોએ ધજાળા પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. બનાવના સ્થળેથી એક મોબાઇલ પણ ગુમ થયો હતો. જેનું લોકેશન તપાસતા પાણસીણા સુધીનું જોવામાં આવ્યું હતું. પોલીસે બાળકીને શોધવા કવાયત હાથ ધરી છે પરંતુ પાંચ દિવસ થવા છતાં તેનો પતો ના લાગતા તેના પિતા અમૃતલાલે કાળી ચૌદસની તાંત્રિક વિધિમાં પોતાની દીકરીનો ઉપયોગ કરવા માટે અપહરણ કરાયાની શંકા વ્યક્ત કરતાં પોલીસે હવે તે દિશામાં તપાસ શરુ કરી આજુબાજુના ગામોમાં અને સ્મશાનમાં પણ વોચ ગોઠવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સમગ્ર પોલીસ કૂમક તપાસમાં જોડાઇ છે.