પાટડી તાલુકાના બજાણા ગામ પાસે રોડ પર મોર્નિંગ વોક પર જઈ રહેલા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અમરબેન મેરાણી અને એમના પતિ અને બજાણા ગામના પૂર્વ સરપંચ પૂંજાભાઈ પસાભાઈ મેરાણીને વહેલી સવારે પૂરઝડપે આવી રહેલા અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી વાહનચાલક ફરાર થઇ ગયો હતો. આ ઘટનામાં બજાણાના પૂંજાભાઈ મેરાણીને ગંભીર ઈજાઓ પહોંચતા એમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે જિલ્લા પંચાયતના પૂર્વ મહિલા પ્રમુખ અમરબેન મેરાણીને પણ હાથે અને શરીરના ભાગે ઈજાઓ પહોંચતા વધુ સારવાર અર્થે વિરમગામ હોસ્પિટલ ખાતે લઇ જવાયા હતા.
આ અકસ્માત બાદ મૃતક પૂંજાભાઈ મેરાણીના મૃતદેહને પીએમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી અને પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ બજાણા પોલીસે હાથ ધરી હતી. જ્યારે બજાણાના પ્રતિષ્ઠિત આગેવાન પૂંજાભાઈ મેરાણીના અકસ્માતમા મોતની ઘટના સાંભળીને દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, દિલીપભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ અને તાલુકા અને શહેર ભાજપ પ્રમુખ સહિતના રાજકીય આગેવાનો પાટડી સરકારી હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જિલ્લામાં ઘણા સમયથી અકસ્માતોના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે.