આપણે ત્યાં લગ્ન થાય એટલે પતિનો હંમેશા મરો થાય છે. પત્નીને લાડ લડાવે તો પત્નીઘેલો અને માંને આદર આપે તો માવડિયો. બહારથી ઓફિસ અને દુકાન નોકરી પરથી થાકીને માંડ સાંજને છેડે ઘરે આવે તે વખતે ઘરમાં પત્ની હસીને દરવાજા પર સ્વાગત કરે પાણીનો ગ્લાસ આપે તો પતિનો અર્ધો થાક દુર થાય પણ હવે આ દ્રશ્ય દેવોને પણ દુલર્ભ છે.
પતિ પત્ની વચ્ચે વણલખ્યો કરાર થયો કે રાતે 11 વાગ્યાં પછી આપણે બન્ને રૂમમાં સાથે હોઈએ ત્યારે કોઈના માટે પણ દરવાજો ખોલવામાં આવશે નહી.
એક દિવસ માતાને કઈ કામ પડતા માતાએ મોડી રાતે દરવાજો ખખડાવ્યો. પતિને થયું કે માંને કઈ કામ હશે પણ પત્ની સાથે જીભાજોડી કરવાને બદલે પોતાની માતા માટે દરવાજો ના ખોલ્યો. ખુબ દુઃખ સાથે માતા કઈ વિચારી પાછા ફરી ગયા.
થોડા સમય પછી પત્નીના માતાપિતા અચાનક કઈ કામ પડતા મોડી રાતે દીકરીના રૂમનો દરવાજો ખખડાવ્યો. પત્નીએ પતિ સામે જોયું. પતિ કઈ બોલ્યો નહી. થોડી વારમાં પત્નીની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો. પત્ની પલંગમાંથી ઉભી થઈને રડતા રડતા લાગણીશીલ બની કહેવા લાગી " હું મારાં માતાપિતા સાથે આવું ના કરી શકું " આટલુ કહી દરવાજો ખોલ્યો. પતિ આ બધું ચુપચાપ જોતો રહ્યો.
સમય પસાર થતો ગયો.
આ દંપતીને પહેલા સંતાનનો જન્મ થયો. પહેલા જ ખોળે પુત્ર રત્નનો જન્મ થયો.પતિએ સામાન્ય ઉજવણી કરી.
બે વરસ પછી આ દંપતીને પુત્રી લક્ષ્મી અવતરી. પુત્રી જન્મવાને પ્રસંગે પતિએ એક ભવ્ય મોટી પાર્ટીનું આયોજન કર્યું. જેમાં પતિએ પોતાના તમામ સાથી કર્મચારીઓ મિત્રમંડળ અને સગાસંબંધીઓને આગ્રહ કરી પાર્ટીમાં બોલાવ્યા.
આ જોઈ પત્ની આશ્રયચકિત થઈ ગઈ અને પતિને સાઈડ પર બોલાવી પૂછ્યું " તમે પુત્રના જન્મ પર સામાન્ય ઉજવણી કરી અને આજે પુત્રીના આગમન પર આટલી ભવ્ય ઉજવણી શા માટે?
પતિએ પત્નીના ખભા પર પ્રેમથી હાથ મુકી હસતા હસતા મંદ મંદ હાસ્ય સાથે ખુબ જ સરસ જવાબ આપ્યો. " તારી વાત સો ટકા સાચી છે. કારણકે મને ખબર છે કે એક દિવસ મારી આ પરી મારાં માટે દરવાજો ખોલશે "
અબ્બાસભાઈ સીરાજભાઈ કૌકાવાલા
સુરત
93769 81427