બોટાદ માર્કેટીંગ યાર્ડમાં CCI દ્વારા ટેકાના ભાવથી કપાસ ખરીદીનો પ્રારંભ થયો હતો. ખેડૂતોએ કહ્યું કે, થોડાં દિવસો પહેલાં ખરીદી શરૃ થઈ હોત તો ખેડૂતોને ફાયદો થાત, કપાસ ખરીદીમાં ટેકાના ભાવ ઓછો હોવાથી ભાવ વધારવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માગ કરવામાં આવી હતી.
બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે સરકાર દ્વારા આજથી સીસીઆઈનાં માધ્યમથી ટેકાના ભાવ આપી કપાસની ખરીદીનો પ્રારંભ કરાયો છે. રૂપિયા 1494ના ટેકાના ભાવથી કપાસ ખરીદીનો પ્રારંભ શરૂ થતાં ખેડૂતોએ એકંદરે હર્ષભેર કપાસનું વેચાણ કર્યું હતું.
તો કેટલાક ખેડૂતો વેચાણથી અળગા રહ્યા હતા. ખેડૂતો વેચાણ માટે જરૂરી kyc સાથે આવ્યા ન હતાં તો કેટલાંક ખેડૂતોને ભાવ ઓછો પડતો હોવાને કારણે સીસીઆઈની ખરીદીમાં કપાસ મૂકવામાં આવ્યો નથી તેવું ખેડુતોએ જણાવ્યું હતું. કેટલાક ખેડૂતો દ્વારા સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલો 1494નો મણ કપાસનો ભાવ ઓછો છે તેવું જણાવી ટેકાનો ભાવ 1600થી વધારે હોવો જોઈએ તેવી માગ કરી રહ્યા છે.
આ વર્ષે ખેડૂતોને અતિવૃષ્ટિથી ભારે નુકસાન થયું છે. કપાસનું ઉત્પાદન ખૂબ ઓછું થયું હોવાના કારણે ખેડૂતોને ટેકાનો ભાવ થોડો વધારે મળે તો ખેડૂતોને રાહત મળે તેવું પણ જણાવવામાં આવ્યું હતું.
ખેડૂતો કહી રહ્યા છે કે, દિવાળી આસપાસ ટેકાના ભાવથી કપાસની ખરીદી શરૂ કરી હોત તો 1200થી 1500ની વચ્ચે વેચાયેલા કપાસના થોડા વધારે ભાવ આવી શક્યો હોત અને જરૂરિયાતમંદ ખેડૂતોને ખર્ચમાં રાહત મળી હોત.
બોટાદ માર્કેટીંગ યાર્ડ ખાતે અગાઉ કરેલી જાહેરાત મુજબ આજથી સીસીઆઈ દ્વારા ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ કરાયો છે. ખેડૂતોને કપાસના એક મણના 1494નો ભાવથી ખરીદી શરૂ કરી છે, જ્યારે માર્કેટિંગ યાર્ડમાં 1100થી 1475 રૂપિયા સુધીનો કપાસનો ભાવ આવતો હતો.
પરંતુ સીસીઆઈ દ્વારા 1494ના ભાવથી કપાસની ખરીદી શરૂ કરી છે એટલે આગામી દિવસોમાં કપાસના ભાવની વધઘટ થાય તો ખેડૂતોને ફાયદો થશે તેમજ જિલ્લાના તમામ ખેડૂતોએ સીસીઆઈ માટે કપાસ વેચવા આવવા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરીયાએ અપીલ કરી હતી.