સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ખનન-વહનનો ગેરકાયદે કાળો કારોબાર સામે લાલ આંખ કરીને અનેક ખનીજ ચોરીના કેસો તેમજ ગુનાઓ નોંધનાર અધિકારીએ એકાએક સરકારને રાજીનામું ધરી દેતા જિલ્લામાં ચકચાર ફેલાઇ છે. ત્યારે હાલ તો આ અધિકારીએ અંગત કારણોસર અને પરિવારમાં મેડિકલ પ્રોબ્લેમના કારણે રાજીનામું આપ્યાનું પ્રાથમિક વિગતો બહાર આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓની પ્રવૃતિઓ પર રોક લગાવવી પણ તંત્ર માટે પડાકરરૂપ બની ગયું હતું. આવા સમયે જિલ્લામાં ખનીજના ગેરકાયદે ખનન-વહનની પ્રવૃત્તિઓને દૂર કરવા માટે અંદાજે 3થી 4 વર્ષ પહેલા સરકાર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા ખાણ ખનીજ વિભાગના અધિકારી તરીકે નિરવ બારોટની નિમણૂક કરાઈ હતી. તેમના કાર્યકાળ દરમિયાન જિલ્લામાં ગેરકાયદે કાર્બોસેલના સૌથી વધુ ખાણો બૂરી નાંખવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં ગેરકાયદે ખનીજ ચોરીના પણ સૌથી વધુ કેસ પણ તેઓ દ્વારા દાખલ કરાયા હતા.
જિલ્લામાં ખનીજનું ખનન અને વહનની બદીને દૂર કરવા મક્કમ બનેલા આ અધિકારીના કારણે તેમની બદલીઓ માટે ઉચ્ચકક્ષાએ પણ રજૂઆતો કરાઈ હતી. તેમ છતાં અધિકારી દ્વારા જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે કાર્યવાહી ચાલુ રાખી હતી. પરંતુ જિલ્લામાં ખનીજ ચોરીના સૌથી વધુ કેસો, ગુનાઓ દાખલ કરનાર આ અધિકારીના એકાએક રાજીનામું આપ્યું છે. આ બાબતે નિરવ બારોટનો ટેલિફોનિક સંપર્ક થઇ શક્યો ન હતો. પરંતુ અંગત કારણોસર તેમજ પરિવારમાં મેડિકલ પ્રોબ્લેમને કારણે રાજીનામું આપ્યાની પ્રાથમિક વિગતો બહાર આવી હતી.