WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

જસદણના દેવપરામાં ક્રુર હત્‍યાઃ પત્‍નિ સુરતી સાથે આડા સંબંધ ધરાવતાં ભાવેશને અગાઉ જેરામે ઠપકો દીધો હોઇ ખાર હતો

હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ 
જસદણના દેવપરા ગામે રહેતાં યુવાનને હાલ જસદણ રહેતાં મુળ બરવાળાના યુવાને વાડીએ ખાટલામાં સુતો હતો ત્‍યારે તેની પત્‍નિની નજર સામે જ છરીના ઘા ઝીંકી પતાવી દેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. હત્‍યાનો ભોગ બનનાર યુવાનની પત્‍નિ સાથે હત્‍યારાને આડાસંબંધ હોઇ એ મામલે તેને સમજાવ્‍યો હતો અને સંબંધ નહિ રાખવા ટપાર્યો હતો. આ બાબતનો ખાર રાખી ગત સાંજે આ શખ્‍સ ગામમાં આ યુવાનના ઘરે તેના માતાને મળવા ગયો હતો. બાદમાં મોડી રાતે વાડીએ પહોંચી હત્‍યા કરી નાંખી હતી. બનાવને પગલે દેવપરા ગામમાં ચકચાર મચી ગઇ છે.
આ બનાવમાં જસદણ પોલીસે હત્‍યાનો ભોગ બનનાર યુવાન જેરામ વલ્લભભાઇ સદાદીયાના માતા જસદણના દેવપરા ગામે રહેતાં હંસાબેન સદાદીયા (ઉ.વ.૫૩)ની ફરિયાદ પરથી જસદણના ભાવેશ ધીરૂભાઇ કુકડીયા વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો નોંધ્‍યો છે.
હંસાબેન સદાદીયાએ જણાવ્‍યું હતું કે  હું પરિવાર સાથે રહું છુ અને ખેતી કરી ગુજરાન ચલાવુ છું. મારે સંતાનમાં બે દિકરા અને બે દિકરીમાં જેરામ બીજા નંબરે હતો. સોૈથી નાના દિકરા અજયનું વાહન અકસ્‍માતમાં અવસાન થયું હતુ. મારા દિકરા જેરામના લગ્ન ગોંડલાધારના અરવિંદ લીંબાભાઇ કુકડીયાની દિકરી સુરતી સાથે આઠ વર્ષ પહેલા થયા હતાં. જેરામને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. દિકરી સાત વર્ષની છે. મારા પતિની બંને કિડની ફેઇલ હોઇ તે પથારીવશ છે. મારી દિકરી દયા ગોંડલાધાર સાસરે હતી, પણ તેના પતિનું અવસાન થયું હોઇ તે અમારી સાથે રહે છે.
મારો દિકરો જેરામ અને તેની પત્‍નિ લગ્નના બે વર્ષ બાદ જસદણ રહેતાં મુળ બરવાળાના ભાવેશ ધીરૂભાઇ કુકડીયા સાથે રસોડાના કામે જતાં હતાં. જેરામને તેની ઘરવાળીના ભાવેશ કુકડીયા સાથે આડાસંબંધ હોવાની ઘણા સમયથી શંકા હતી. આથી જેરામે તેની પત્‍નિ સુરતી સાથે આવા કોઇ સંબંધ નહિ રાખવા ભાવેશનો સમજાવ્‍યો હતો. આમ છતાં ભાવેશ આ સંબંધ તોડતો નહોતો અને સુરતી અવાર-નવાર તેના માવતરે રિસામણે જતી રહેતી હતી. છેલ્લે મારી પુત્રવધૂ સુરતી ધુળેટીના દિવસે રિસામણે જતી રહતી. એ પછી અષાઢી બીજના આગલા દિવસે ફરી દેવપરા ગામે આવી હતી. જેરામ અને સુરતી વાડીએ રહેતાં હતાં. આ બંનેના દિકરા-દિકરી મારી સાથે ગામમાં રહેતાં હતાં.
સોમવારે રાતે હું ઘરે હતી ત્‍યારે ભાવેશ ધીરૂભાઇ કુકડીયા અમારા ઘરે આવ્‍યો હતો અને તમે કેમ મારી સાથે બોલતા નથી, માસી તમે મને ઓળખતા નથી? તેમ કહેતાં મેં તેને કહેલું કે હું તને ઓળખતી નથી. તેમ કહેતાં તે જતો રહ્યો હતો. આ વખતે મારી દિકરી દયા પણ હતી. દરમિયાન જેરામની દિકરી પાયલે કહેલુ કે આ ભાવેશ અગાઉ મારા પપ્‍પાને છરી મારવાની વાત કરતો હતો. એ વાડીએ જશે તો પપ્‍પાને મારશે, આપણે પણ વાડીએ જઇએ. જેથી મેં જેરામને ફોન કરી કહેલુ કે ભાવેશ અહિ ઘરે આવ્‍યો હતો. ત્‍યારબાદ હું, પાયલ બંને વાડીએ જતાં જેરામ અને સુરતી ત્‍યાં હાજર હતાં. આ બંનેને વાડીએથી ઘરે આવી જવા કહ્યું હતું. પરંતુ તે આવ્‍યા નહોતાં.

આ પછી મેં કુટુંબી ભત્રીજા જેરામ મોહનભાઇને બોલાવી ભાવેશ ઘરે ઝઘડો કરવા આવ્‍યાની વાત કરી દિકરા જેરામ અને પુત્રવધૂ સુરતીને ઘરે આવી જવા મનાવવાનું કહ્યું હતું. આથી મારા ભત્રીજાએ પણ મારા દિકરાને સમજાવી વાડીએથી ઘરે જતાં  રહેવા કહ્યું હતું. પણ મારો દિકરો આવ્‍યો નહોતો. બાદમાં રાતે અગીયારેક વાગ્‍યે હું અને પાયલ ઘરે આવી ગયા હતાં. એ પછી રાતે દોઢેક વાગ્‍યે  અમારા કુટુંબી વિક્રમભાઇ ઘરે આવ્‍યા હતાં અને વાત કરી હતી કે જેરામને ભાવેશ કુકડીયાએ મારેલ છે. જેથી હું વિક્રમના વાહનમાં બેસી વાડએ જતાં ત્‍યાં ગુંદાના ઝાડ નીચે મારો દિકરો જેરામ લોહીલુહાણ પડયો હતો. તેના છાતી, જમણા હાથમાં મોટા કાપા હતાં. ૧૦૮ બોલાવી હતી. એ દરિમયાન ગામના વિનુભાઇ કાછેલા ઇકોલ લઇને આવતાં અમે જેરામને જસદણ હોસ્‍પિટલે લઇ ગયા હતાં. પરંતુ ડોક્‍ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

આ પછી મારી પુત્રવધૂ સુરતીને અમે ઘટના વિશે પુછતાં તેણે કહેલું કે-હું અને પતિ જેરામ વાડીએ દોઢેક વાગ્‍યે ખુલ્લામાં ખાટલે સુતા હતાં ત્‍યારે ભાવેશ કુકડીયા છરી લઇને આવ્‍યો હતો અને ગોદડુ ઉંચકાવી પતિ જેરામને છરીના બે ઘા મારી દીધા હતાં. તે દેકારો કરવા માંડતાં અને ઉભા થઇ ભાવેશને પકડવાનો પ્રયાસ કરતાં ઝપાઝપી થઇ હતી. એ દરમિયાન પતિ જેરામ પડી જતાં ભાવેશ ભાગી ગયો હતો. મેં તમને ફોન કરતાં લાગ્‍યો નહોતો એથી વિક્રમભાઇને ફોન કર્યો હતો. તેમ મારી પુત્રવધૂ સુરતીએ કહ્યું હતું. ઇન્‍ચાર્જ પીઆઇ એસ.આર. ગોહિલે ગુનો નોંધી ભાગી ગયેલા આરોપી ભાવેશ ધીરૂભાઇ કુકડીયાની શોધખોળ હાથ ધરી હતી.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
Website પર મૂકેલ કોઈ પણ માહિતીથી તમને કઈ પણ Problem હોય તો અમારો સંપર્ક કરો.
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો