જસદણમાં રૂ. 500ની લેતી દેતીમાં યુવાન પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ હતી. ઈજાગ્રસ્ત ભગવાન રાઠોડે રૂ. 500 સાંજે આપી દેશે તેમ કહેતા આરોપી અમીન અને મોહસીન ઉર્ફે ભાણાએ જીવલેણ હુમલો કર્યો હતો. માથામાં મારબલ પથ્થરના ઘા ઝીંકી દેવાતા યુવાન બેભાન થઈ ગયો હતો.
ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયો હતો. જ્યાં તે સારવાર હેઠળ છે. મળતી વિગત અનુસાર, ભગવાનભાઈ ધીરુભાઈ રાઠોડ (ઉં.વ.27, જસદણ ગામ,વિંછીયા રોડ) ગઈકાલે બપોરે ત્રણ વાગ્યે પોતાના ઘર પાસે હતા.ત્યારે ભાણો ઉર્ફે મોહસીન અને અમીન તથા અન્ય માણસોએ ઝઘડો કરી પથ્થર વડે માર મારતા માથે શરીરે ઇજા થતાં પ્રથમ સારવાર જસદણ સરકારી હોસ્પિટલ બાદ આટકોટની કેડી પરવાડીયા હોસ્પિટલ ખસેડાયો હતો.
જ્યાં યુવાનને માથામાં હેમરેજ હોવાનું નિદાન થતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.તેમના પરિવારજનોએ જણાવ્યું કે, ભગવાન રાઠોડ રેકડીમાં ડુંગળી બટાકા વેચવાનું કામ કરે છે. જ્યારે સામા વાળા આરોપી ફ્રૂટના વેપારી છે. ભગવાને આરોપીઓ પાસેથી તરબૂચ લીધા હતા જેના રૂપિયા 500 આપવાના હતા.
આરોપીએ રૂપિયાની ઉઘરાણી કરી હતી. અને બીજા હજારથી પંદરસો રૂપિયામાં ભગવાન રાઠોડ જામીન હોય, તે રૂપિયાની પણ ઉઘરાણી કરી હતી.ભગવાન રાઠોડ રૂપિયા સાંજે આપી દેશે તેવી વાત કરતા આરોપીઓ ઉશ્કેરાયા હતા અને માર માર્યો હતો. જસદણ પોલીસે જરૂરી કાગળો તૈયાર કરી બનાવની વધુ તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.