દીકરીની બીમારીની સારવાર માટે લીધેલા રૂપિયા વ્યાજ સહિત ચૂકવી દીધા છતાં ત્રાસ આપતા હોવાનો આરોપ
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
વિછીયામા રહેતા યુવાને પુત્રીની બિમારીની સારવાર માટે 4 વ્યાજખોર પાસેથી રૂપીયા વ્યાજે લીધા હતા. જે રૂપીયાની વ્યાજ સહીત ચુકવણી કરી દીધી હોવા છતા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાને વિછીયા બસ સ્ટેશનમા ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ વિછીયામા આવેલી સિપાઇ શેરીમા રહેતા બરકતભાઇ ચાંદભાઇ રાઠોડ નામનાં 40 વર્ષનો યુવાન ગઇકાલે સવારનાં આઠેક વાગ્યાનાં અરસામા વિછીયામા આવેલા બસ સ્ટેશનમા હતો ત્યારે ઝેરી દવા પી લીધી હતી. યુવકને ઝેરી અસર થતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.
પ્રાથમીક પુછપરછમા બરકતભાઇ રાઠોડે વર્ષ 2016 મા પુત્રી રોજીનાબેનની બીમારીની સારવાર માટે 3 વ્યકિત પાસેથી રૂ. 50 -50 હજાર અને 1 વ્યકિત પાસેથી 15 હજાર વ્યાજે લીધા હતા. ચારેય વ્યકિતની વ્યાજ સહીત રૂ. 4 લાખ ચુકવી દીધા હોવા છતા વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી વખ ઘોળ્યુ હોવાનુ આક્ષેપ કરવામા આવ્યો છે. આક્ષેપનાં પગલે વિછીયા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.