આટકોટમાં નવાં જ બનેલા આરોગ્ય કેન્દ્રના તાળાં એક વર્ષથી ખુલ્યા જ નથી, કેમકે નવું નક્કોર આરોગ્ય કેન્દ્ર બની ગયાને એક વર્ષ થઇ ગયું હોવા છતાં ગ્રાન્ટના અભાવે અંદર ફર્નિચર બની શક્યું નથી કે લાઇટ ફિટિંગ પણ બાકી હોવાથી તેને ખોલવાનું હાલની તકે શક્ય બનતું નથી.
આથી લોકોને નવા નક્કોર આરોગ્ય કેન્દ્રની સુવિધા મળી છે છતાં તેનો ઉપયોગ થઇ શકતો નથી અને કેન્દ્ર ધૂળ ખાઇ રહ્યું છે. જો આમ જ ચાલ્યું તો નવું નક્કોર આરોગ્ય કેન્દ્ર ધૂળધાણી થઇ જતાં વાર નહીં લાગે અને લોકોની પરસેવાની કમાણીમાંથી તૈયાર થયેલા આ કેન્દ્રને બનાવવાનો હેતુ સરશે નહીં. આટકોટના કૈલાસનગર વિસ્તારમાં જે તે સમયે આરોગ્ય કેન્દ્ર નવું જ બનાવવામાં આવ્યું હતું અને તેને એક વર્ષનો સમય વીતી ગયો છે.
છતાં આજદિન સુધી તેના તાળાં હજુ ખુલ્યાં નથી. આરોગ્ય કેન્દ્રમાં અંદર મળવી જોઇતી સુવિધા જ ન હોય તો તેને ખોલવાનો કોઇ મતલબ નથી. ફર્નિચર, લાઇટ ફિટિંગ તેમજ અન્ય સાધનો ગ્રાન્ટના અભાવે વસાવી શકાયા નથી. આથી કેન્દ્રને તાળાં ટચકાવી રાખવા પડી રહ્યા છે
ઘરઆંગણે નવું જ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે પરંતુ જો આમ જ બંધ રહ્યું તો લોકોને સારી સુવિધા ઉપલબ્ધ થાય તે પહેલાં જ કેન્દ્ર ખંડેર હાલતમાં બની જશે.
આ અંગે લોકોમાં ભારોભાર ગણગણાટ થઇ રહ્યો છે અને લોકોએ સંબંધિતોને રજૂઆત પણ કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવા આવતાં નથી. આથી આ મુદે સંબંધિત તંત્ર ગંભીર બને અને ગ્રાન્ટ ફાળવે તો લોકોને ઘરઆંગણે જ સારી સુવિધા મળી રહે અને દુરના આરોગ્ય કેન્દ્ર સુધી જવાનો ધક્કો બચી જાય.
લોકાર્પણ થાય તે પહેલાં જ ખંડેર બનતાં રોકવા માટે આરોગ્ય કેન્દ્ર માટે ગ્રાન્ટ ફાળવી અંદર જરૂરી સુવિધા આપવા લોકોમાંથી માગણી ઉઠી છે ગ્રાન્ટના અભાવે અંદર ફર્નિચર કે લાઇટ ફિટિંગ થયા નથી.