શહેરના યુનિવર્સિટી રોડ પરના ગંગોત્રી પાર્કમાં મહિલાઅે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો. જૂનાગઢ લગ્નમાં જવાના મુદ્દે પતિ સાથે બોલાચાલી થતાં મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હતું.
ગંગોત્રી પાર્કમાં રહેતા ધારાબેન સાવનભાઇ પટેલે (ઉ.વ.38) શુક્રવારે રાત્રે નવેક વાગ્યે પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ફાંસો ખાઇ લીધો હતો. પતિ સાવનભાઇ રૂમમાં ગયા ત્યારે પત્ની ધારાબેનનો લટકતો દેહ જોવા મળતાં તેમણે દેકારો મચાવતા પાડોશીઓ દોડી ગયા હતા.
ધારાબેનને નીચે ઉતારી બેભાન હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ દોડી ગઇ હતી.
પોલીસ સૂત્રોઅે જણાવ્યું હતું કે, ધારાબેનને સંતાનમાં બે પુત્ર છે. પતિ સાવનભાઇ શાપર-વેરાવળમાં આંગડિયા પેઢી ચલાવે છે. આગામી તા.15ના ધારાબેનના મામાની પુત્રીના જૂનાગઢ ખાતે લગ્ન હોય તે લગ્નપ્રસંગમાં જવા બાબતે ધારાબેનને પતિ સાવન પટેલ સાથે બોલાચાલી થઇ હતી.
પતિ સાથે થયેલી માથાકૂટનું માઠું લાગી આવતાં મહિલાએ અંતિમ પગલું ભરી લીધું હતું. બનાવથી પટેલ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.