ધ્રાંગધ્રા તાલુકાના રામપરા કાતરોડી ગામ રોડ પર સાઈડમાં ઉભેલા એક યુવાનને બોલેરો ગાડી ચાલકે અડફેટે લેતા યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આથી યુવાનને હોસ્પિટલે લઇ જતા હાજર તબીબ દ્વારા મૃત્યુ જાહેર કરાતા બોલેરોના ગાડી ચાલક સામે ફરિયાદ નોંધાઇ હતી.
ધ્રાંગધ્રા તાલુકાના રામપરા ગામે વ્યવહારીક કામે આવેલા ચમનભાઈ તેજાભાઈ સુમેરા તથા તેમનો નાનો ભાઈ મુકેશભાઈ બંને ભાઈઓ પ્રસંગ બતાવીને પરત પોતાના ગામ કટુડા જતા હતા.
આ દરમિયાન રામપરા કાતરોડી ગામ વચ્ચે રોડ પર સાઈડમાં ઊભા હતા. ત્યારે પૂરઝડપે બોલેરો ગાડીના ચાલકે મુકેશભાઈને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં ગંભીર ઇજાઓ પહોંચતા ખાનગી વાહનમાં સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબ દ્વારા મુકેશભાઈને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા હતા.
આ બનાવમાં મોટાભાઈ ચમનભાઈ તેજાભાઈ સુમેરા દ્વારા ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં બોલેરો ચાલક સામે ગુનો નોંધાયો હતો.