ઇન્ડિયા સાયબર ક્રાઈમ કો-ઓર્ડિનેશન સેન્ટરના એક રિપોર્ટ પ્રમાણે 2024ના પ્રથમ ચાર મહિનામાં દરરોજ સરેરાશ 7,000 સાયબર ક્રાઈમની ફરિયાદો નોંધાઈ છે. આ ચાર મહિનામાં ભોગ બનેલા લોકોને અંદાજે 1750 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. સપ્ટેમ્બરના અંત સુધીમાં તો આ આંકડો 11,333 કરોડ પર પહોંચ્યો.
એટલે કે 9 મહિનાની અંદર દેશમાં અંદાજે 11,333 કરોડ રૂપિયાનું સાયબર ફ્રોડ થયું. જેમ જેમ ઇન્ટરનેટ અને ટેક્નોલોજીનો વ્યાપ વધી રહ્યો છે, ડિજિટલ ગવર્નન્સ વધી રહી છે તેમ તેમ સાયબર ફ્રોડની ઘટનાઓ પણ બોનસમાં મળી રહી છે.
નવા દિવસે નવો દાવ!
સાયબર ગઠિયાઓ દરરોજ નવી નવી રીતોથી લોકો સાથે ફ્રોડ કરી રહ્યા છે. તો સામે લોકો પણ લાલચ, ડર, અપૂરતી માહિતીના કારણે ભોગ બની રહ્યા છે. આ વર્ષે જે કેટલાક સાયબર ફ્રોડ ચર્ચામાં રહ્યાં અને મોટા પ્રમાણમાં લોકો ભોગ બન્યાં તે આ પ્રમાણે છે.
ડિજિટલ એરેસ્ટ
આ વર્ષે સૌથી વધારે ચર્ચામાં રહેલું સાયબર ફ્રોડ, જેમાં મોટેભાગે પોલીસકર્મી, ED અધિકારી, કસ્ટમ અધિકારી, જજ કે પછી CBI અધિકારી બનીને ગઠિયાઓ લોકોને વીડિયો કોલ કરે છે. વળી, ખોટા કેસનો ડર બતાવી વીડિયો કોલ દ્વારા જ નજરકેદ કરે છે.
સાથે જ કરોડો રૂપિયા ખંખેરવામાં પણ આવ્યા છે. અને હજુ પણ આવાં ફ્રોડ થઈ જ રહ્યાં છે.
સ્ટોક ટ્રેડિંગ ફ્રોડ
સેંકડો લોકો આ ફ્રોડનો ભોગ બન્યાં છે અને જીવનભરની મૂડી ગુમાવી ચૂક્યાં છે, જેમાં શેરબજારમાં રોકાણ કરવાના નામે મોટા વળતરની લાલચ આપવામાં આવે છે. નકલી ટ્રેડિંગ પ્લેટફોર્મ ઊભાં કરવામાં આવે છે.
વેબસાઇટ અને એપ્લિકેશન બને છે. એક વખત લાલચમાં આવીને કોઇ રોકાણ કરે એટલે પત્યું. ટ્રેડિંગ ટિપના નામે ચાલતા ટેલિગ્રામ અને વૉટ્સએપ ગ્રૂપમાં પણ મોટાપાયે ફ્રોડ થયાં છે અને હજુ પણ આવાં ફ્રોડ થઇ જ રહ્યાં છે.
ફિશિંગ સ્કેમ
સાયબર ફ્રોડનો આ પ્રકાર તો જૂનો અને સદાબહાર છે, જેમાં યેનકેન પ્રકારે તમને કોઇ લિંક પર ક્લિક કરવા માટે મજબૂર કરવામાં આવે છે. તમને મેસેજમાં આ પ્રકારની લિંક મોકલવામાં આવે છે, જેની સાથે મોટા ડિસ્કાઉન્ટની લાલચ હોઇ શકે, તમારા ઘરનું વીજળી કનેક્શન કટ થવાનું છે તેવો ડર હોઇ શકે, બેંકમાં તમારું KYC બાકી છે તેવી સૂચના હોઇ શકે, પાન કાર્ડ અપગ્રેડ કરવાની વાત હોઇ શકે.
ગઠિયાઓનું લક્ષ્ય એક જ હોય છે કે કોઇ પણ પ્રકારે તમે તે લિંક પર ક્લિક કરો. જેવું તે લિંક પર ક્લિક કરો એટલે એકાઉન્ટ ખાલી.
સાયબર ફ્રોડની દૂરગામી અસર
સાયબર છેતરપિંડીનાં પરિણામો ઘણાં દૂરગામી છે, જે લોકો અને અર્થતંત્ર બંનેને વ્યાપક અસર કરે છે. ભોગ બનનારા લોકોનાં જીવનની તમામ બચત જતી રહે છે, જેના કારણે માનસિક તણાવ અને ડિજિટલ પ્લેટફોર્મ પરનો વિશ્વાસ ઓછો થાય છે.
ઉપરાંત ફ્રોડ થયા બાદ તેની ફરિયાદ, તપાસ અને ફ્રોડ ના થાય તે માટેના પ્રયત્નો પાછળ પણ ઘણો આર્થિક બોજ વધી રહ્યો છે.
સાયબર ફ્રોડની સીધી અસર દેશના અર્થતંત્ર પર પડી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અનુસાર 2024માં સાયબર ક્રાઈમને કારણે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ રકમ માત્ર લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે મોટો ફટકો છે. વળી, આ વાત માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી.
દુનિયાના તમામ દેશો આ જ સ્થિતિમાંથી પસાર થઇ રહ્યા છે. જેમ જેમ ડિજિટલાઇઝેશન વધી રહ્યું છે તેની સાથે સાયબર ફ્રોડ પણ વધી રહ્યાં છે. એક અનુમાન પ્રમાણે 2024માં વૈશ્વિક સ્તરે સાયબર ફ્રોડની કિંમત 9.5 ટ્રિલિયન ડોલર એટલે કે 9.5 લાખ કરોડ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે.
હવે આગળ શું ?
સાયબર ફ્રોડના દૃષ્ટિકોણથી આવનારું વર્ષ ભારત માટે વધુ પડકારજનક બની શકે છે. સાયબર અપરાધીઓ નવી પદ્ધતિઓ વિકસાવે તેવી શક્યતા છે.
જો જાગરૂકતા અને સલામતીનાં પગલાં ધ્યાનમાં લેવામાં નહીં આવે તો સામાન્ય નાગરિકો અને વ્યવસાય બંનેને ભારે નુકસાન થઈ શકે છે. ખાસ કરીને વધુમાં વધુ લોકોને જાગૃત કરવામાં આવશે તો જ આ સમસ્યાનો ઉકેલ આવે તેમ છે.
તેમાંય ભારતના ગ્રામીણ વિસ્તારોમાં જ્યાં સાક્ષરતા દર જ ઓછો હોય ત્યારે આ વાત વધારે મહત્ત્વની અને ચેલેન્જિંગ બની જાય છે.