WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો

Jumped Deposit’ ફ્રોડ: પિન નંબર નાંખ્યો અને પૈસા ગાયબ!

ડિજિટલ પેમેન્ટ્સ અને UPI ના લીધે આપણું જીવન સરળ બન્યું છે, પરંતુ બીજી તરફ સાયબર અપરાધીઓ માટે પણ ફ્રોડ માટેના નવા રસ્તાઓ ખોલ્યા છે. તમિલનાડુ પોલીસની સાયબર ક્રાઈમ વિંગે તાજેતરમાં જ એક નવા પ્રકારના સાયબર ફ્રોડ ‘Jumped Deposit’ (જમ્પ્ડ ડિપોઝિટ) વિશે ચેતવણી આપી છે.

આ સાયબર ફ્રોડ વડે ખાસ કરીને મોબાઈલ બેન્કિંગ યૂઝર્સને ટાર્ગેટ કરે છે. એવું કૌભાંડ કે જેમાં બેલેન્સ ચેક કરવા માટે UPI પિન નાંખશો તો ધડાધડ પૈસા ઉપડી જશે! જાણીને કદાચ નવાઇ લાગશે પણ હકીકત કંઇક આવી જ છે.

જમ્પ્ડ ડિપોઝિટ' ફ્રોડ શું છે ?
'જમ્પ્ડ ડિપોઝિટ' સાયબર ફ્રોડની એક નવી રીત છે, જેના દ્વારા સાયબર ગઠિયાઓ લોકોનાં બેંક એકાઉન્ટમાંથી પૈસાની ઉંઠાતરી કરી રહ્યા છે. આ ફ્રોડમાં યૂઝરને એક મેસેજ આવે છે, જેમાં લખેલું હોય છે કે તેના ખાતામાં 5,000 રૂપિયા સુધીની કોઇ રકમ જમા કરવામાં આવી છે. આ રકમ UPI દ્વારા મોકલવામાં આવે છે. 

સાથે જ બેલેન્સ ચેક કરવા માટેની લિંક પણ હોય છે. આવો મેસેજ આવે એટલે સ્વાભાવિક રીતે જ માણસને જિજ્ઞાસા થાય અને બેલેન્સ ચેક કરવા માટે તરત તે લિંક પર ક્લિક કરશે અથવા તો સીધી UPI એપ ખોલશે. લિંક પર ક્લિક કરવાથી પણ UPI એપ જ ખુલશે. UPI એપ ખોલીને જેવો પિન નંબર નાંખશે કે તરત એકાઉન્ટમાંથી મોટી રકમ ઉપડી જશે.

આ ફ્રોડ એટલા માટે પણ વધારે ખતરનાક છે કારણ કે આમાં નથી કોઇ ફોન આવતો, નથી કોઇ ઓટીપી માંગતું બસ પિન નાંખો અને પૈસા ઉપડી જાય છે. આવું થવા પાછળનું કારણ એ કે સાયબર ગઠિયાઓ UPIની 'રિવર્સ ટ્રાન્ઝેક્શન' ફીચરનો દુરુપયોગ કરે છે.

આ ફ્રોડ કઇ રીતે થાય છે ?
ગઠિયાઓ પહેલાં UPI દ્વારા તમારા એકાઉન્ટમાં ₹5,000 જેવી નાની રકમ ટ્રાન્સફર કરે છે, જેથી તમારા નંબર પર તે ટ્રાન્ઝેક્શનનો મેસેજ આવે છે. અચાનક થયેલા ટ્રાન્ઝેક્શનથી યૂઝર પોતાનું બેંક બેલેન્સ ચેક કરવા માટે UPI એપ ખોલે છે. તરત જ ગુનેગારો મોટી રકમના ટ્રાન્સફર માટેની રિક્વેસ્ટ કરે છે. યૂઝર પોતાનું બેલેન્સ ચેક કરવા માટે જેવો પિન નંબર દાખલ કરે એટલે પેલી રિક્વેસ્ટ પણ મંજૂર થઇ જાય છે અને પૈસા જતા રહે છે.

આવું કઇ રીતે શક્ય બને ?
UPI સિસ્ટમમાં એક ખાસ સુવિધા હોય છે, જેના દ્વારા ટ્રાન્ઝેક્શન રિવર્સ કરી શકાય છે. ઘણી વખત UPI વડે ખોટા ખાતામાં પૈસા જતા રહે છે. આ ફીચર વડે તેને રિવર્સ કરી શકાય છે, જેના માટે ઘણી રીત છે. જેમ કે તમારી બેંકમાં ફરિયાદ કરવી અથવા NPCIમાં રિક્વેસ્ટ કરવી. તો કેટલીક બેંકો તેમની એપ દ્વારા પૈસા રિવર્સ કરવાની સુવિધા પણ આપે છે. બસ સાયબર અપરાધીઓ આ રિવર્સ ટ્રાન્ઝેક્શનની સુવિધાનો જ ફાયદો ઉઠાવી રહ્યા છે. તેઓ આવું કઇ રીતે કરે છે તે અંગે તપાસ ચાલી રહી છે. જે થોડી વાત સમજમાં આવી છે તે એ કે જેવા તમે બેલેન્સ ચેક કરવા અને પિન નાંખો છો તેની સાથે જ ગુનેગારોને અગાઉથી સેટ કરેલી મોટી રકમ ઉપાડવાની રિક્વેસ્ટને પણ મંજૂરી મળે છે. એટલે કે પહેલાં નાની રકમ મોકલશે અને રિવર્સ રિક્વેસ્ટમાં મોટી રકમ કાઢી લેશે.

આનાથી કઇ રીતે બચવું ?
તાત્કાલિક બેલેન્સ ચેક ના કરો

જો તમારા બેંક એકાઉન્ટમાં અચાનક પૈસા આવે, જે ટ્રાન્ઝેક્શન તમારા માટે અજાણ્યું છે. તમને ખબર નથી કોણે પૈસા મોકલ્યા. તો તરત જ બેલેન્સ ચેક કરવાનું ટાળો. લગભગ 15-30 મિનિટ રાહ જુઓ, જેથી સાયબર ગઠિયાઓની રિવર્સ ટ્રાન્ઝેક્શનની રિક્વેસ્ટ નકામી થઇ જાય. જો તમને પિન નાંખવાનું કહેવામાં આવે, તો જાણી જોઈને ખોટો પિન નાંખો. જેથી કોઈપણ અનધિકૃત ટ્રાન્ઝેક્શન રિક્વેસ્ટને રદ્દ કરી શકાય. કોઈપણ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનના કિસ્સામાં તરત જ તમારી બેંકનો સંપર્ક કરો. જાતે કોઇ નિર્ણય લેતા પહેલા બેંકમાં જાઓ અને જાણ કરો.

સાયબર ક્રાઈમને જાણ કરો
જો તમે આ કૌભાંડનો ભોગ બનો છો, તો તરત જ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (www.cybercrime.gov.in) અથવા તમારા નજીકના સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન પર રિપોર્ટ નોંધાવો. 1930 નંબર ડાયલ કરીને પણ તરત સાયબર ફ્રોડની ફરિયાદ કરી શકો છો. હંમેશા યાદ રાખો કે થોડી સાવધાની તમને મોટા નુકસાનથી બચાવી શકે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

વધુ નવું વધુ જૂનું
WhatsApp WhatsApp માં જોડાવા
ક્લિક કરો
Author Image

Dhaval Rathod

હું ધવલ રાઠોડ, Vinchhiya.Com નો સંચાલક છું. હું છેલ્લા 5 વર્ષો થી બ્લોગિંગ, વેબસાઈટ ડેવલપમેન્ટ અને ડિજિટલ માર્કેટિંગ સાથે જોડાયેલા કાર્યો કરી રહ્યો છું.

વધારે જાણો