બોટાદના ગઢડા રોડ ઉપર આવેલી રાધેકૃષ્ણ સોસાયટી વિસ્તારમાં લાઈટ બિલના બાકી નાણાં ઉઘરાણી માટે બોટાદ પીજીવીસીએલ કચેરીના કર્મચારી ઉઘરાણી અર્થે જતા ગ્રાહકના દીકરાએ કર્મચારી સાથે ફરજ રૂકાવટ કરી માર મારી અને સાથે રહેલ મહિલા કર્મચારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ બોટાદ પીજીવીસીએલમાં ઇલેક્ટ્રીક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ પરસોત્તમભાઈ ડુમાણીયા ઉં.વર્ષ 39એ બોટાદના ગઢડા રોડ ઉપર આવેલી રાધે ક્રિષ્ના સોસાયટી-3માં પીજીવીસીએલના લાઈટ બિલના નાણાં બાકી હોય ગ્રાહક રંજનબેન પ્રવીણભાઈ રેલીયાના ઘરે પહોંચી લાઈટ બિલના બાકી રહેલાં નાણાંની ઉઘરાણી કરતા જેમાં 10,770 રૂપિયા લાઈટ બિલ બાકી હોય તે ભરવાનું કહેતાં અને નહીં ભરો તો પીજીવીસીએલ કર્મચારીએ મીટર ઉતારવાનું છે.
તેવું કહેતાં ગ્રાહકના દીકરા અશ્વિને કહેલ કે, અમારી પાસે પૈસા નથી આવશે ત્યારે ભરી જઇશું. જ્યારે પીજીવીસીએલ કર્મચારીએ ફરજ મુજબ મીટર ઉતારી લેતાં અને ત્યાંથી નીકળતાં અશ્વિન રેલીયા એકદમ ઉશ્કેરાઈ જઈ વિજકર્મી પ્રવીણભાઈની કાયદેસર ફરજમાં રૂકાવટ કરી માર માર્યો હતો. સાથે આવેલા મહીલા કર્મી સંધ્યાબેનને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે પીજીવીસીએલ કચેરીના કર્મચારીએ બોટાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાવતાં કાર્યવાહી હાથ ધરી હતી.