હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ
જસદણ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આગામી તા.૧૬ ફેબ્રુઆરી ૨૦૨૫ ને રવિવારના રોજ યોજાય રહી છે ત્યારે આ ચૂંટણીમાં મતદારો વધુમાં વધુ મતદાન કરે એવી અપીલ જસદણ ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ અશોકભાઈ ધાધલ અને જસદણ જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ રાઠોડએ કરી છે તેમણે જણાવ્યું હતું કે જસદણ નગરપાલિકાની ચૂંટણીમાં સાત વૉર્ડમાં કુલ મળીને ૩૭,૮૪૦ મતદારો છે.
આ માટે ચૂંટણી તંત્રએ મતદાન માટે ૪૪ બુથો તૈયાર કર્યા છે મતદારો નિર્ભયતા સાથે મતદાન કરી શકે એવું આયોજન કર્યું છે ત્યારે રવિવાર રજાનો દિવસ હોય આ દિવસે સવારથી સાંજ સુધીના સમય દરમિયાન લોકશાહીને જીવંત બનાવવા પોતાના મતનું મૂલ્ય સમજી પોતે અને તેમના પરિવારજનો આળસ છોડી અવશ્ય મતદાન કરે તે જરૂરી છે.
અત્રે નોંધનીય છે કે જસદણ માટે ઉપરોક્ત બન્ને આગેવાનોએ અનેક કામો એવાં કર્યા છે કે જસદણની પ્રજામાં ખાસ નોંઘ લેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે જસદણ નગરપાલિકાની આગામી રવિવારે યોજાનારી ચૂંટણી છેક સાત વર્ષે આવી છે
ત્યારે હાલમાં કૂલ મળી ૬૪ ઉમેદવારો મેદાનમાં છે જે અંગે તંત્ર દ્વારા દરેક કામગીરીને આખરી ઓપ આપવામાં આવ્યો છે રાજકીય પાર્ટીઓના પ્રચાર પ્રસારના ભૂંગળા આજથી શાંત થયાં છે.