જસદણના કડુકા ગામ પાસે વાડીમાં કુવાની અને ઘરની બંને મોટર ચાલુ રાખવા પ્રશ્ને મહિલા પર કોદાળી વડે હુમલો કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ હતી.પ્રાપ્ત વિગત મુજબ, જસદણના કડુકા ગામમાં રહેતા મુકતાબેન હરેશીભાઇ કોળી (ઉ.વ.27) એ ભાડલા પોલીસ મથકમાં તેના જ સગા જયસુખ દેવરાજભાઇ બેરાણી વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવમાં મુકતાબેને ફરિયાદમાં જણાવ્યા મુજબ તે પરમદિવસે ગામ પાસે વાડીએ હતા. ત્યારે વાડીમાં કૂવાની અને ઘરની બંને મોટરો ચાલુ રાખવા પ્રશ્નો જયસુખ દેવરાજભાઇ બેરાણીએ મુકતાબેન સાથે ઝઘડો કરી ઉશ્કેરાઇ જઇ કોદાળી વડે હુમલો કરી માથાના ભાગે ઇજા કરી ભાગી ગયો હતો.
મારામારીના પગલે દેકારો બોલતા લોકો એકઠા થઇ ગયા હતા અને મહિલાને વધુ મારથી બચાવ્યા હતા. બાદમાં મુકતાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનવાની જાણ થતા ભાડલા પોલીસે મહિલાની ફરિયાદ પરથી જયસુખ દેવરાજભાઇ બેરાણી વિરૂધ્ધ ગુનો દાખલ કરી હેડ કોન્સ એસ.બી.બોરીચાએ વધુ તપાસ હાથ ધરી છે.