વીંછિયા તાલુકાના રેવાણીયા ગામે મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે રૂ.1.35 કરોડનાં ખર્ચે થનારા સિંચાઈ યોજનાની કેનાલ રેસ્ટોરેશન કામનું ખાતમુર્હૂત થયું હતું. રાજકોટ સિંચાઈ પંચાયત વિભાગ અને જસદણ સિંચાઈ પંચાયત પેટા વિભાગ હેઠળ આવતાં વીંછિયા તાલુકાના રેવાણીયા ગામે રીનોવેશન ઓફ કેનાલ સિસ્ટમ ફોર માઈનોર ઈરીગેશન સ્કીમનું ખાતમુર્હૂત મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે થયું હતું.
આ તકે જસદણના આગેવાન અને રાજકોટ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના મહામંત્રી અશોકભાઈ મહાદેવભાઈ ચાંવ તથા સ્થાનિક આગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મોજે રેવાણીયા ખાતે રેવાણીયા નાની સિંચાઈ યોજના આવેલી છે. આ યોજના ઈ.સ. 1902ની સાલમાં રૂ.01.20 લાખનાં ખર્ચે તૈયાર કરવામાં આવી હતી. આ યોજનાની કુલ જીવંત પાણી સંગ્રહક્ષમતા રૂ. 17.25 એમ.સી.એફ.ટી. છે, આ યોજના થકી વીંછિયા અને થોરીયાળી એમ કૂલ બે ગામોની અંદાજિત 160.00 હેકટર ખેતીની જમીનને સિંચાઈનો સીધો લાભ મળે છે.
આ યોજના 122 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી. આ યોજનાનાં બાંધકામ પછી તેમા કોઈ મોટી સુધારાત્મક કાર્યવાહી કરવામાં આવેલ ન હતી. જેને કારણે યોજનાની સંગ્રહશક્તિ અને કેનાલમાં પાણી વિતરણ વ્યવસ્થાપનને અસર થઇ હતી. જેને માટે ગત વર્ષે રેવાણીયા નાની સિંચાઈ યોજનામાં યોજનાનો માટીપાળો, એચ.આર. ગેટ મરામત અને વેસ્ટવિયર મરામતનું કામ રૂ. 54.84 લાખનાં ખર્ચે પૂર્ણ કરવામાં આવ્યુ છે.
વધુમાં, ચાલુ વર્ષે રેવાણીયા નાની સિંચાઈ યોજનાની કેનાલનું રેસ્ટોરેશનનું કામ રૂ. 1.35 કરોડનાં ખર્ચે કરવામાં આવનાર છે. રેવાણીયા નાની સિંચાઈ યોજનમાં કૂલ 07.55 કિ.મી. લાંબુ કેનાલ નેટવર્ક આવેલ છે. જેનાથી અંદાજે કૂલ 160 હેકટર ખેતી લાયક જમીનને સિંચાઈનો લાભ મળે છે.
આ કેનાલ નેટવર્કમાં આવતાં તમામ સાઈન વેલ, એક્વેડક્ટ, રોડ ક્રોસિંગને રીનોવેટ કરવાનું અને તમામ કેનાલને 7.5 સે.મી. આર.સી.સી.થી પાકી કરવાનું આયોજન છે. આ કામ પૂર્ણ થવાથી રેવાણીયા નાની સિંચાઈ યોજનાની કેનાલ નેટવર્કનાં કમાન્ડ વિસ્તારમાં આવેલા તમામ ખેડૂત ખાતેદારોની 160 હેકટર જેટલી જમીનને ઉનાળાની ઋતુ સુધી સિંચાઈનો લાભ મળશે અને પાણીનો થતો બગાડ અટકશે.